વીએમસીની ડોર ટુ ડોર કચરાની ગાડી ડ્રાઇવરને બદલે સગીર ચલાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

જાગૃત યુવાનની તપાસમાં કચરાની ગાડી વોર્ડ 10માં ફરતી હોવાનું જાણવા મળ્યું

MailVadodara.com - Video-of-VMCs-door-to-door-garbage-truck-being-driven-by-a-minor-instead-of-a-driver-has-gone-viral-on-social-media

- ડ્રાઇવર પોતાના પરિવારના એક સગીરને ગાડી ચલાવવા આપી દારુનો નશો ચઢતા ગાડીમાં જ સૂતો હતો

- જાગૃત યુવાને વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો


વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા માટે ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પરંતુ, કોન્ટ્રાક્ટરોની બેદરકારીને કારણે મોટો અકસ્માત થાય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ડોર ટુ ડોર કચરાની ગાડી ડ્રાઇવરે ચલાવવાને બદલે પોતાના પરિવારના એક સગીરને ચલાવવા આપી દીધી હોવાનો વીડિયો એક જાગૃત યુવકે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. યુવાને કચરાની ગાડી રોકીને વધુ તપાસ કરતા ડ્રાઈવર સગીરની બાજુમાં દારૂના નશામાં સૂઈ રહ્યો હોવાનું જણાય આવ્યું હતું. આ યુવકે ડ્રાઈવરને દારૂનો નશો ચડતા સૂઇ ગયો અને સગીરને ગાડી ચલાવવા આપ્યાનો આક્ષેપ કર્યો છે.

શહેરમાં ઉપરા-છાપરી બની રહેલા અકસ્માતમાં મોટાભાગે દારૂના નશામાં ડ્રાઇવિંગ કરવાના કારણે અથવા તો બેફામ ગાડીઓ ચલાવવાના કારણે બની રહ્યા છે. ત્યારે આ જાગૃત યુવાન દ્વારા શહેરમાં આવા અકસ્માતોને રોકવા માટે ડોર ટુ ડોર કચરાની ગાડી ચલાવનાર સગીરનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.


જાગૃત યુવાનની તપાસમાં એવી પણ વિગત બહાર આવી છે કે, આ ડોર ટુ ડોર કચરાની ગાડી વોર્ડ નંબર 10માં કચરાનું કલેક્શન કરે છે. ત્યારે ડ્રાઈવરનો ઉધડો લેતા જણાવ્યું હતું કે, ગાડી ચલાવનાર સગીર કોઈને અકસ્માત કરશે તો તે માટે જવાબદાર કોણ? તેવા સવાલ કરતા નશામાં ચૂર ડ્રાઈવર કોઈ જવાબ આપી શક્યો નહોતો. વાઇરલ થયેલા વીડિયોને જોતા લાગી રહ્યું છે કે, વોર્ડ નંબર 10માં સગીર દ્વારા ચલાવાતી ડોર ટુ ડોર કચરાની ગાડીથી સાવધાન રહેવું.


વોર્ડ નં.10ના વોર્ડ ઓફિસર ક્રિષ્નાબેન સોલંકીએ જણાવ્યું હતું કે, સગીર વયનો છોકરો ડોર ટુ ડોર કચરાની ગાડી ચલાવતો હતો એ અમારા ધ્યાને આવ્યું છે. આથી ડોર ટુ ડોર કચરાની ગાડીના કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝરને બોલાવવામાં આવ્યા છે. તેઓનો જવાબ લઈ આ બાબતે કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે આસિસ્ટન્ટ કમિશનરનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે.

કોન્ટ્રાક્ટ રદ કરો ડોર ટુ ડોર કચરાની ગાડી ચલાવનાર સગીરનો વીડિયો વાઇરલ કરનાર જાગૃત યુવાને જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા વોર્ડ નંબર 10માં ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવાનો જે ઇજારદારને કોન્ટ્રાક્ટ આપ્યો છે તે કોન્ટ્રાક્ટ રદ કરી દેવો જોઇએ અને કોન્ટ્રાક્ટર સામે દંડાત્મક કાર્યવાહી કરવી જોઇએ. ડોર ટુ ડોર કચરાની ગાડી ચલાવી રહેલા સગીરના વાઇરલ થયેલા વીડિયોએ ભારે ચકચાર જગાવી મૂકી છે.

Share :

Leave a Comments