- સ્કૂલ સંચાલકો FRC એ નક્કી કરેલી ફી લેવાનો ઈનકાર કરી રહ્યા છે : વાલીઓ
વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી વિબગ્યોર સ્કૂલ વારંવાર વિવાદોમાં જોવા મળી રહી છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી સંચાલકોની મનમાની સામે સ્કૂલના વાલીઓને ફરી એક વખત DEO કચેરી ખાતે જઈને FRC પ્રમાણે ફી, પુસ્તકો બાબતે ઉગ્ર રજૂઆત કરવાની ફરજ પડી હતી.
આ અંગે વાલીઓનું કહેવું છે કે, સ્કૂલ સંચાલકો FRC એ નક્કી કરેલી ફી લેવાનો ઈનકાર કરી રહ્યા છે. ફક્ત એટલું જ નહીં તેઓ વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષ માટેના પુસ્તકો પણ આપી રહ્યા નથી. સ્કૂલે જે પુસ્તક નક્કી કર્યા છે તે પુસ્તકો બજારમાં મળતા નથી. વિદ્યાર્થીઓ ઘરે આવીને અમને પૂછે છે કે, અમને પુસ્તકો ક્યારે મળશે? ત્યારે આ બાબતે ફરી એકવાર DEO કચેરી ખાતે ઉગ્ર રજૂઆત અર્થે વાલીઓ પહોંચ્યા હતા.
આ અંગે વાલીઓનું કહેવું છે કે, સ્કૂલ સંચાલકો દ્વારા વર્ષ 2017થી FRCના ફીના આદેશનો અમલ કરી રહ્યા નથી. સ્કૂલ દ્વારા FRCના આદેશ કરતા જેટલી ફી વધારે લેવામાં આવી છે. તે પાછી આપવાનો કે તેને નવી ફીમાં એડજસ્ટ કરવાનો પણ ઈનકાર કરવામાં આવી રહ્યો છે. DEO દ્વારા પણ સ્કૂલને આદેશ આપવામાં આવ્યો છે, પરંતુ સ્કૂલ સંચાલકો DEOના આદેશને ગણકારતા નથી. ત્યારે ફરી એકવાર રજૂઆત કરી હતી.
આ અંગે DEO મહેશ પાંડેએ કહ્યું હતું કે, સ્કૂલની NOC રદ કરવા માટે DEO કચેરીએ શિક્ષણ વિભાગને ભલામણ કરી છે. સ્કૂલ તેની સામે પણ કોર્ટમાં ગઈ છે. સ્કૂલ સામે અમે કાર્યવાહી કરીશું. વાલીઓએ ચિંતા કરવાની જરૂર નથી સરકાર તેમની સાથે છે.