- ગુરૂજી બનીને આવેલા ઠગ સહિત ત્રણ ઠગોએ છોકરીના લગ્નના નામે દુકાનદારને ફસાવ્યો, મંજુસર પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી ધરપકડના ચક્રોગતિમાન કર્યા
શહેરના વેમાલીમાં ચાની કીટલી ચલાવનારને દસ રૂપિયાની મોરછાપ ચલણી નોટની પૂજા દ્વારા એકના ડબલ કરી આપવાની લાલચ આપી રૂપિયા 23 લાખ લઇ રફૂચક્કર થઇ જનાર ઠગ ત્રિપુટી સામે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ગુરૂજી બનીને આવેલા ઠગ સહિત ત્રણ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. વેમાલીમાં બનેલી આ ઘટનાએ ચકચાર જગાવી મૂકી .
મંજુસર પોલીસ મથકમાં અજયકુમાર પરમારે નોંધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે, વેમાલીમાં મહાદેવ ફળિયામાં રહેતો 41 વર્ષિય અજયકુમાર ભયલાલભાઇ પરમાર સમા-સાવલી રોડ ઉપર જય માતાજીના નામથી ટી-સ્ટોલ ચલાવે છે. તેમની સાથે તેમની માતા અને પત્ની પણ જોડાયેલા છે. એક માસ પહેલા અલગ-અલગ વાહન પર રાજુ, મહેશ તથા બે ઇસમો આવ્યા હતા. બાદમાં તેઓ સમાજના હોવાથી છોકરી માટે લગ્ન કરવાનું હોવાનું જણાવીને વાતચીત કરી હતી. આ દરમિયાન ટોળકીએ અજયકુમારને જણાવ્યું કે, જો રૂપિયા 10ની નોટ જેના પર મોરની છાપ હોય તેવી નોટ હોય તો મને જણાવજો, અમારે કામ છે. બાદમાં ઉત્સુકતાવશ તેનું કારણ પૂછતા જણાવ્યું કે, અમારી પાસે એક ગુરૂજી છે, તેઓ આ નોટ વડે રૂપિયા ડબલ કરી આપે છે. બાદમાં ચાની લારી ઉપર તમામે અવારનવાર આવવાનુ શરૂ કર્યું હતું.
અજયકુમાર પાસે મોર છાપવાળી રૂપિયા 10ની નોટ મળી આવી હતી. જેથી તેણે ચાની લારી ઉપર આવેલ ઠગોને રૂપિયા ડબલ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેઓએ પોતાની જમા મૂડી, તથા જમીનના વેચાણની રકમ ડબલ કરવાની કામગીરી ઠગો સામે ઇચ્છા વ્યક્ત કરી હતી. આ દરમિયાન ઠગ ટોળકીએ અજયકુમારને રૂપિયા 5 લાખ થેલીમાં મુકાવી નદી કિનારે લઇ ગયા હતા. જ્યાં ગુરૂજી બનીને આવેલા બોડેલીના ઠગે રૂપિયા 10ની નોટ જમીન પર મુકી તેમાં મુકેલા રુમાલ પર પૈસા, નાળિયેર, ફૂલો તથા અગરબત્તી કરી હતી. બાદમાં રૂમાલમાં મુકેલી રકમ ડબ્બામાં મુકી દીધી હતી. જેના ડબલ કરીને ગુરૂજી પાસેથી લાવવાની ખાતરી ઠગ ત્રિપુટી પૈકી બે ઠગોએ આપી હતી.
તે સમયે ગુરૂજીએ જણાવ્યું કે, રૂપિયા ડબલ કરવામાં વિઘ્ન આવી રહ્યું છે. જેથી વિધી કરવી પડશે અને તેનું એડવાન્સ બુકિંગ કરવું પડશે. બાદમાં વિધિનો સામાન લાવવા રૂપિયા 18 લાખ માંગવામાં આવ્યા હતા. જે બાદ અજયકુમારે રૂપિયા 3 લાખની વ્યવસ્થા કરીને આપ્યા હતા. બાદમાં ગુરૂજી તથા તેમના સાગરીતો અવારનવાર પૂજાનો સામાન લાવવા માટે બાકી રકમ માટે અજયકુમારને ફોન કરતા હતા.
દરમિયાન એકના ડબલ કરવાની લાલચમાં અજયકુમારે બાકીના રૂપિયા 15 લાખ ઠગોને આપ્યા હતા. આ રકમ આપ્યા બાદ ઠગ ત્રિપુટીએ 11 દિવસની રાહ જુઓ તમારા રૂપિયા ડબલ થઇ જશે, તેમ જણાવ્યું હતું. થોડા દિવસ બાદ અજયકુમારને ખબર પડી કે, આ ઠગ ટોળકીએ અન્ય લોકોને પણ એકના ડબલ નાણાં કરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરી છે. આ દરમિયાન અજયકુમાર પરમારે રૂપિયા 23 લાખની ઠગાઇ મામલે ગુરૂજી, રાજુ અને મહેશ સામે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ઠગ ત્રિપુટી સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ટોળકી ઝડપાયા બાદ ચોંકાવનારી વિગતો બહાર આવશે.