વડોદરા નજીક દુમાડ પાસે ઉદ્ઘાટન વગર નવા બ્રિજ પર વાહનોની અવરજવર શરૂ!

નવા ફ્લાયઓવરના કારણે હવે એક્સપ્રેસ હાઇવેનો ટ્રાફિક અલગ થશે

MailVadodara.com - Vehicular-traffic-started-on-the-new-bridge-near-Dumad-near-Vadodara-without-inauguration

- એક્સપ્રેસ હાઇવે તરફ જતા અને ત્યાંથી આવતા વાહનો નવા બ્રિજ અને રોડ પર પૂરપાટ ઝડપે દોડી રહ્યા છે

વડોદરા શહેર નજીક દુમાડ ચોકડી પાસે વારંવાર સર્જાતા ટ્રાફિકજામની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે બનાવવામાં આવેલા નવા બ્રિજ તૈયાર થઇ ગયા છે. આ બ્રિજ તેમજ તેને સંલગ્ન બનાવાયેલા રોડ પર ઉદ્ધાટન વગર જ ટ્રાફિકની અવરજવર થઇ ગઇ છે.

છેલ્લા ઘણા સમયથી દુમાડ ચોકડી પાસે સર્જાતી ટ્રાફિકની સમસ્યાનો અંત લાવવા માટે નેશનલ હાઇવે ઓથોરિટિ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રયત્નો  હાથ ધરાયા હતાં.  અગાઉ તૈયાર કરેલી ડિઝાઇનમાં ફેરફાર કરાયા બાદ આખરે ફાઇનલ ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી અને તે મુજબ સપ્ટેમ્બર-૨૦૨૧માં દુમાડ ચોકડી પાસે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું  હતું.

એક્સપ્રેસ હાઇવે પરથી અવરજવર, નેશનલ હાઇવે અને સાવલી તરફથી આવતા ટ્રાફિકના કારણે દુમાડ ચોકડીએ ટ્રાફિક જામની મોટી સમસ્યા સર્જાતી હતી. જેથી એક્સપ્રેસ  હાઇવે પર જવા અને ત્યાંથી નેશનલ હાઇવે પર આવવા માટે બે ફ્લાયઓવર બનાવવાનું પ્લાનિંગ હાથ ધરાયું હતું. આશરે રૂપિયા ૨૭ કરોડના ખર્ચે  દોઢ વર્ષમાં કામ પૂર્ણ થઇ ગયું છે.

દુમાડ પાસેના આ નવા ફ્લાયઓવરના કારણે હવે એક્સપ્રેસ હાઇવેનો ટ્રાફિક અલગ થઇ જશે. હાઇવે પરથી પસાર થનારા વાહનો માટે સાઇનબોર્ડ પણ મારી દેવામાં આવ્યા છે. ફ્લાયઓવર તેમજ અન્ય રોડનું કામ પૂર્ણ થઇ ગયું છે અને આ રોડ પરથી ટ્રાફિકની અવરજવર પણ શરૂ થઇ ગઇ છે.

Share :

Leave a Comments