વડોદરામાં વાહન ચોરીનો સિલસિલો યથાવત, જુદા-જુદા વિસ્તારમાંથી વધુ 3 ટુ-વ્હિલર ચોરાયાં

વાહન માલિકોએ પોલીસ કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી!!

MailVadodara.com - Vehicle-theft-continues-in-Vadodara-3-more-two-wheelers-stolen-from-different-areas

- કેટલાક કિસ્સામાં નોકરિયાત વર્ગ જગ્યા મળે ત્યાં વાહનો પાર્ક કરી નોકરી પર જતાં રહેતા તસ્કરોને મોકળું મેદાન મળી જાય છે, જેમાં વાહન માલિકોની બેદરકારી હોય છે

વડોદરા શહેરમાં પ્રતિદિન વાહન ચોરીની ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. વીતેલા 24 કલાક દરમિયાન વડોદરા શહેર પોલીસના ચોપડે વધુ ત્રણ વાહન ચોરીની ફરિયાદો નોંધાવા પામી છે. અત્રે નોંધનીય છે કે, વાહન ચોરીની સરખામણીએ ડિટેક્શનનું પ્રમાણ ચિંતાજનક છે.

મળતી માહિતીનુસાર, વડોદરા શહેર નજીક આવેલા ભાયલી ખાતે રહેતા વિશાલભાઈ ગુંદરેચા રીયલ એસ્ટેટ બ્રોકર વ્યવસાય સાથે સંકળાયેલ છે. 8 ઓગસ્ટના રોજ તેઓએ પોતાનું બજાજ પલ્સર બાઈક ફ્લેટના પાર્કિંગમાં પાર્ક કર્યું હતું. બીજા દિવસે તે બાઈક ચોરી થયાની જાણ થતાં ફરિયાદ નોંધાવી છે. 

બીજા બનાવમાં ગોરવા વિસ્તારમાં રહેતો રાહુલ ગુજરાત રિફાઈનરી ખાતે સેફ્ટી ઓફિસર તરીકે નોકરી કરે છે. 9 ઓગસ્ટના રોજ તેણે પોતાનું બાઈક રિફાઇનરી સર્કલ પાસે પાર્કિંગમાં પાર્ક કર્યું હતું. સાંજે નોકરી પરથી પરત આવતા પાર્ક કરેલ સ્થળે બાઈક મળી ન આવતા ચોરી થયાની જાણ થઈ હતી. 

ત્રીજા બનાવમાં ખોડીયાર નગર વિસ્તારમાં રહેતા રમેશભાઇ મારવાડી ખાનગી કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. 16 જુલાઈના રોજ કે પરિવાર સાથે કમાટીબાગ ગયો હતો. જ્યાં ગેટ નંબર 2 ફૂટપાથ ઉપર તેણે પોતાનું બાઈક પાર્ક કર્યું હતું. લગભગ બે કલાક બાદ કમાટીબાગમાંથી ફરીને પરત આવતા બાઈક ચોરી થયાની જાણ થઈ હતી. 

આમ, વડોદરા શહેરમાં પ્રતિદિન વાહન ચોરીનો સિલસિલો યથાવત રહેતા વાહન માલિકોમાં પોલીસ કામગીરી સામે નારાજગી છે. તો બીજી તરફ કેટલાક કિસ્સામાં નોકરિયાત વર્ગ જગ્યા મળે ત્યાં તેના વાહનો પાર્ક કરી નોકરી પર રવાના થઈ જતાં તસ્કરોને મોકળું મેદાન મળી જતું હોય છે. જેમાં વાહન માલિકોની બેદરકારી પણ જણાય છે.

Share :

Leave a Comments