- મહારાષ્ટ્ર રાજ્યના મંત્રી ચંદ્રકાન્ત પાટીલ વડોદરાની મુલાકાતે આવ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળના નવ વર્ષની પૂર્ણાહુતિ પ્રસંગે કેન્દ્ર સરકારની સિદ્ધિઓ અને પ્રજાલક્ષી વિવિધ વિકાસની યોજનાઓને પ્રજા સમક્ષ વડોદરા ભાજપના સહારે શહેરીજનો સમક્ષ મુકવા માટેની ચર્ચા-વિચારણા અર્થે મહારાષ્ટ્ર ભાજપના પૂર્વ અધ્યક્ષ અને મહારાષ્ટ્રની શિવસેના-ભાજપ સરકારના મંત્રી ચંદ્રકાંત પાટીલ આજે વડોદરાના મહેમાન બન્યા છે ત્યારે વડોદરા ભાજપ સાંસદ, મેયર, શહેર ભાજપ અધ્યક્ષ સહિત અનેક અગ્રણીઓ મળી મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોએ ઢોલ નગારા અને ત્રાંસાથી તેમનું પુષ્પ વર્ષા દ્વારા ભવ્ય સ્વાગત કર્યું હતું.
વડોદરા ખાતે આવી પહોંચેલા મહારાષ્ટ્ર ભાજપના પૂર્વ અધ્યક્ષ ચન્દ્રકાંત પાટીલ મહારાષ્ટ્રીયન સમાજની આસ્થારૂપ ખંડોબા મંદિરે દર્શન કરવા કાર્યકરો સહિત ભાજપ અગ્રણીઓ સાથે પહોંચ્યા હતા. મંદિરમાં દર્શન કર્યા બાદ પત્રકારોએ પૂછેલા પ્રશ્નોના જવાબમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળના નવ વર્ષની ગયા મહિને થયેલી પૂર્ણાહુતિ અંગે તેમની સિદ્ધિઓ અને પ્રજાલક્ષી કામો સહિત દુનિયાને પુરા પાડેલા નેતૃત્વ વિશે જણાવ્યું હતું. હવે જયારે દેશની સામાન્ય ચૂંટણીનું એક વર્ષ બાકી રહ્યું છે ત્યારે તેમને વડાપ્રધાનની વિવિધ સિધ્ધીઓ જણાવી હતી.
કોરોના કાળ દરમિયાન દેશની ૨૨૦ કરોડની પ્રજાને કોરોના વિરોધી રસીના બંને ડોઝ ફ્રી આપવા સહિત ભારત સાથે જોડાયેલા ૬૦થી વધુ દેશોને પણ કોરોના વિરોધી રસીના ડોઝ પૂરા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત સમગ્ર દુનિયાને પણ વિવિધ કક્ષાએ પોતાનું નેતૃત્વ નરેન્દ્ર મોદીએ પૂરું પાડ્યું છે.
જી-૨૦નું નેતૃત્વ મોદીજીને મળ્યા બાદ દેશભરમાં વિવિધ સ્થળે જી-૨૦માં જોડાયેલા દેશોની બેઠક દેશના વિવિધ પ્રાંતોમાં યોજાઇ રહી છે ત્યારે પુનામાં પણ એક બેઠક યોજાઈ ગઈ છે અને આગામી દિવસોમાં બીજી બેઠક પણ જી-૨૦ દેશોની યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળના નવ વર્ષની પુર્ણાહુતિ નિમિત્તે તેમની સિદ્ધિઓ સહિત પ્રજાલક્ષી વિવિધ કાર્યો અને વિવિધ સિદ્ધિઓ લોકો સુધી કેવી રીતે પહોંચાડવી એ અંગે ભાજપ અગ્રણીઓ સહિત કાર્યકરો સાથે આ બાબતે ચર્ચા કરશે.
અગાઉ મહારાષ્ટ્રના અધ્યક્ષ તરીકે તેમણે આપેલી સેવા થકી સંગઠનનો બહોળો અનુભવ ચંદ્રકાંત પાટીલને છે. નરેન્દ્ર મોદીની નવ વર્ષની સિદ્ધિઓ અને પ્રજાને લગતી વિવિધલક્ષી યોજનાઓ શહેરીજનો સુધી પહોંચાડવા મહારાષ્ટ્રના મંત્રી વડોદરાના મોટાભાગના કાર્યકરોના ઘરે પણ ચર્ચા-વિચારણા માટે પહોંચશે.આ પ્રસંગે મહારાષ્ટ્રના મંત્રી સાથે મેયર નરેશ રાઠોડ, સાંસદ રંજનબેન ભટ્ટ તથા શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિજય શાહ સહિત અનેક ભાજપ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.