- ૮.૭૪ લાખની કિંમતની ૪૪૪ નંગ બોટલો મળી 14 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે
વડોદરાના બીલ ગામે પોલીસે પીક અપ વાનને ઝડપી પાડી તેમાંથી વિદેશી દારૂની બોટલો ભરેલા ૧૪ બોક્સ કબજે કર્યા હતા. પોલીસે વાનના માલિકની અટકાયત કરી ડ્રાઇવરને વોન્ટેડ જાહેર કર્યો છે.
બીલ ગામના માર્કેટ નજીક હરિયાણા પાસિંગની એક પીકઅપ વાનને ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસતાં અંદરથી વિદેશી દારૂના ૧૪ બોક્સ મળી આવ્યા હતા.જે ખોલતાં વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની કુલ રૂપિયા ૮.૭૪ લાખની કિંમતની ૪૪૪ નંગ બોટલો મળી આવી હતી. પોલીસે વાન પાસે ઉભેલા વાનના માલિક રામપાલ શ્રીચંદ સાંગવાન (રહે. ધાસના, જિ.ચૂરુ, રાજસ્થાન)ની અટકાયત કરી પૂછપરછ કરતાં ડ્રાઇવર સંજયકુમાર જાટ (રહે.સીકર, રાજસ્થાન) વાન લાવ્યો હોવાની અને વડોદરામાં કોઇને ફોન કર્યા પછી માલની ડિલિવરી આપવાની હોવાની વિગતો ખૂલી હતી.
જેથી પોલીસે ડ્રાઇવરને વોન્ટેડ જાહેર કરી પીકઅપ વાન, મોબાઇલ અને દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા ૧૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.