સાઉથ કોરિયામાં યોજાયેલી અંડર-20 એશિયન ગેમ્સમાં વડોદરાની લક્ષિતાએ 1500 મી. દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો

લક્ષિતા શાંડિલ્યએ 4:24.23 મિનિટમાં દોડ પૂર્ણ કરીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો

MailVadodara.com - Vadodaras-Lakshita-wins-gold-medal-in-1500m-run-at-U-20-Asian-Games-held-in-South-Korea

- હવે વર્લ્ડ ચેમ્પિયનશિપની ટ્રાયલ માટે ભુવનેશ્વર જશે અને જાે ટ્રાયલમાં પાસ થશે તો જુલાઇમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા ચીન જશે


વડોદરાની 18 વર્ષીય લક્ષિતા શાંડિલ્ય સાઉથ કોરિયા ખાતે 4 જૂનથી 7 જૂન દરમિયાન યોજાયેલી અંડર-20 એશિયન ચેમ્પિયનશિપમાં 1500 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જેને પગલે પરિવારજનોમાં ખુશી જોવા મળી રહી છે. સાઉથ કોરિયામાં યોજાનારી એશિયન ચેમ્પિયનશિપમાં લક્ષિતાએ ભારત તરફથી ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે અત્યાર સુધીમાં 3 ઇન્ટરનેશનલ મેડલ સહિત કુલ 26 મેડલ મેળવી ચૂકી છે.

સાઉથ કોરિયામાં યોજાનાર અંડર-20 એશિયન ચેમ્પિયનશિપમાં ભારતમાંથી કુલ 40થી વધુ ખેલાડીઓ ભાગ લેવા ગયા હતા. વડોદરાની લક્ષિતા શાંડિલ્યએ 4:24.23 મિનિટમાં 1500 મીટરની દોડ પૂર્ણ કરીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. અગાઉ લક્ષિતાએ 1500 મીટરની દોડ 4:26.48 મિનિટમાં પૂરો કરી રેકોર્ડ કર્યો હતો. સાઉથ કોરિયામાં દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ લક્ષિતાએ ખુશી વ્યક્ત કરી હતી. લક્ષિતાએ ઇન્ટરનેશનલ લેવલે ગોલ્ડ મેડલ મેળવીને ગુજરાત જ નહીં ભારતનું નામ રોશન કર્યું છે.


તાજેતરમાં જ 21મો ફેડરેશન કપ તામિલનાડુમાં યોજાયો હતો. જેમાં લક્ષિતાએ 1500 મીટર અને 800 મીટરમાં ભાગ લીધો હતો. આ ઈવેન્ટમાં 1500 મીટરમાં જુનિયર એશિયા માટે સિલેક્શન થયું હતું, જે સાઉથ કોરિયામાં યોજાયો હતો. જેમાં લક્ષિતાએ ગોલ્ડ મેડલ મેળવીને દેશનું નામ રોશન કર્યું છે. લક્ષિતા અભ્યાસની સાથે ખૂબ જ મહેનત પણ કરી રહી હતી. તે દરરોજ સવાર-સાંજ 5-5 કલાક મહેનત કરતી હતી. જેનું તેને પરિણામ મળ્યું છે. હવે ચીનમાં યોજાનાર વર્લ્ડ ચેમ્પિયનશિપની ટ્રાયલ માટે ભુવનેશ્વર જશે. ટ્રાયલમાં પાસ થશે તો જુલાઇમાં ચીનમાં યોજાનાર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે જશે.


લક્ષિતાના પિતા વિનોદભાઈ શાંડિલ્યએ જણાવ્યું હતું કે, મારી દીકરીએ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જેથી મને ખૂબ જ ગર્વ થઈ રહ્યો છે. તે ખૂબ જ મહેનત કરી રહી હતી અને તેના કોચ તરફથી પણ ખૂબ જ સપોર્ટ મળ્યો હતો. આજ સુધીમાં તે દરેક ઈવેન્ટમાં મેડલ મેળવીને આવી છે, ત્યારે સાઉથ કોરિયામાં યોજાયેલી એશિયન ચેમ્પિયનશિપમાં પણ તે મેડલ લઈને આવી રહી છે.


કોચ રિપન્દીપસિંહ રંધાવાએ જણાવ્યું હતું કે, હું માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં ટ્રેનિંગ આપું છું. લક્ષિતા એશિયા ચેમ્પિયનશિપમાં ગોલ્ડ લઇને આવી રહી છે તે ખૂબ જ ખુશીની વાત છે. ગુજરાતની દીકરીએ એશિયા ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તેને સવાર-સાંજ પ્રેક્ટિસ આપવામાં આવી હતી અને આવનારા ઓલમ્પિક માટે અમે ખૂબ જ મહેનત કરી રહ્યાં છીએ. સાઉથ કોરિયામાં એશિયન ગેમ્સમાં 48થી વધુ દેશોએ ભાગ લીધો હતો. હવે વર્લ્ડ ચેમ્પિયનશિપ ફેડરેશન કપ માટે સિલેક્શન થવાનું છે ત્યારે અમને આશા છે કે, લક્ષિતાનું વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે સિલેક્શન પણ થશે.

Share :

Leave a Comments