દુબઇમાં યોજાયેલી U-20 એશિયન ચેમ્પિયનશિપમાં વડોદરાની લક્ષિતા શાંડિલ્યએ 2 સિલ્વર મેડલ મેળવ્યા

લક્ષિતાનું ઓલિમ્પિકમાં ગોલ્ડ લાવવાનું લક્ષ્યાંક, ઇન્ટરનેશનલ લેવલે 5 મેડલ લાવી ચૂકી

MailVadodara.com - Vadodaras-Lakshita-Shandilya-bagged-2-silver-medals-at-U-20-Asian-Championship-held-in-Dubai

- લક્ષિતાએ 800 અને 1500 મીટર દોડમાં ભાગ લીધો હતો જેમાં 800 મીટર દોડ 2.07 મિનિટ અને 1500 મીટર દોડ મેં 4.25 મિનિટમાં પૂર્ણ કરી સિલ્વર મેડલ મેળવ્યો હતો


વડોદરા શહેરની દોડવીર લક્ષિતા શાંડિલ્યએ દુબઇમાં યોજાયેલી અંડર-20 એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. તેમાં લક્ષિતાએ 800 અને 1500 મીટર દોડમાં સફળતા મેળવીને 2 સિલ્વર મેડલ મેળવ્યા છે. હવે લક્ષિતાનું ઓલિમ્પિકમાં ગોલ્ડ લાવવાનું લક્ષ્યાંક છે. જોકે, અત્યાર સુધીમાં લક્ષિતા ઇન્ટરનેશનલ લેવલે 5 મેડલ લાવી ચૂકી છે.

વડોદરાની દોડવીર લક્ષિતા શાંડિલ્યે જણાવ્યું હતું કે, તાજેતરમાં જુનિયર એશિયન અંડર-20 ચેમ્પિયનશિપ દુબઇમાં યોજાઇ હતી. જેમાં મેં ભાગ લીધો હતો અને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 800 અને 1500 મીટર દોડમાં મેં ભાગ લીધો હતો અને બંનેમાં મેં સિલ્વર મેડલ મેળવ્યો છે. 800 મીટર દોડ મેં 2.07 મિનિટ અને 1500 મીટર દોડ મેં 4.25 મિનિટમાં પૂર્ણ કરી હતી.


વધુમાં જણાવ્યું હતું કે, દુબઇની વેધર કન્ડિશન અલગ હતી, ત્યાં ગરમી વધારે હતી. તેથી ત્યાં સેટ થવામાં થોડો સમય લાગ્યો હતો. મારી પ્રેક્ટિસ સારી હોવાથી તમામ ચેલેન્જ માટે તૈયાર હતી. જેથી મને સફળતા મળી. હું સ્પોર્ટ્સ એકેડમીના મારા કોચ, માંજલપુર સ્પોર્ટ્સ એકેડમી અને મારા માતા-પિતાનો મને સપોર્ટ રહ્યો હતો. પેરુમાં યોજાનાર અંડર-20 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં હિસ્સો લઈને ગોલ્ડ લાવવાનો મારો હવેનો પહેલો ગોલ છે અને મારો મેઇન ગોલ ઓલિમ્પિકનો ગોલ છે. તેના માટે હું ખૂબ તૈયારી કરી રહી છું. હું રોજ સવારે 2થી 3 કલાક અને સાંજે 2થી 3 કલાક પ્રેક્ટિસ કરું છું.


VMC સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશનના CEO રોહન ભનગેએ જણાવ્યું હતું કે, આજે સૌ-કોઇ માટે ગર્વની વાત છે કે, ગોલ્ડન ગર્લ એવી લક્ષિતા શાંડિલ્યએ દુબઇમાં આયોજિત અંડર-20 એશિયન ચેમ્પિયનશિપમાં બે સિલ્વર મેડલ મેળવ્યા છે. તે જ્યાં રમવા જાય છે, ત્યાં પોતાનું 100 ટકા પર્ફોમન્સ આપે છે. ભારતનું પ્રતિનિધિત્વ કરવું એ જ મોટી વાત છે અને એમાં પણ મેડલ લાવે તો એનાથી પણ મોટી વાત છે. દરેક એથ્લીટ માટે ઇન્ડિયા માટે રમવું એ ગર્વની વાત હોય છે.


વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ઇન્ટરનેશનલ લેવલે લક્ષિતા 5 મેડલ લાવી છે. જે વડોદરા અને દેશ માટે ગૌરવની વાત છે. માંજલપુર અને સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ઉત્કૃષ્ટ ટ્રેનિંગ ચાલી રહી છે. અહીં સારા સારા કોચ છે અને ખેલાડીઓ ઇન્ટરનેશનલ લેવલે મેડલ લાવી રહ્યા છે. જેના કારણે લક્ષિતા ઇન્ટરનેશનલ લેવલે મેડલ લાવી રહી છે. સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં પેરા સ્વીમર ગરીમા વ્યાસ તાજેતરમાં જ નેશનલ લેવલે ગોલ્ડ મેડલ લાવી છે.

લક્ષિતાના કોચ આર.એસ. રંધાવાએ જણાવ્યું હતું કે, લક્ષિતાના પર્ફોમન્સથી મને ખુબ ખુશી થઇ રહી છે અને તેના માટે ખૂબ મહેનત કરી હતી. જોકે, કોમ્પિટિશન ખૂબ ટફ હતી. એશિયાના 38 દેશના ખેલાડીઓ આવ્યા હતા. જેમાંથી મેડલ લાવવાનો ખૂબ ગર્વની વાત છે. હવે લક્ષિતા ઓલિમ્પિક માટે તૈયારી કરી રહી છે. લક્ષિતા દર વર્ષે નવો ટાઇમ એચિવ કરે છે અને ઓલિમ્પિકમાં જવા માટે થોડી સેકન્ડ જ પાછળ છીએ.

Share :

Leave a Comments