- દેવ રાવલની અગ્નિવીર તરીકે પસંદગી થતા માતા-પિતા ભાવુક થઈ ગયા
- યુવાનની પસંદગી પામતા જ પરિવાર, સમાજ અને સ્થાનિક લોકો દ્વારા યુવાનનો ભવ્ય વરઘોડો કાઢી ઉત્સવ મનાવ્યો
ભારત સરકારે યુવાનોને રોજગારી મળે તે માટે અગ્નિવીરમાં ભરતી કરવામાં આવી છે. વડોદરાના સલાટવાળા વિસ્તારમાં રહેતો યુવાન 8 મહિનાની કઠિન તાલીમ બાદ પસંદગી પામ્યો છે. યુવાનની પસંદગી પામતા જ પરિવાર, સમાજ અને સ્થાનિક લોકો દ્વારા યુવાનનો ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.
વડોદરા શહેરના સલાટવાળામાં આવેલ નવા ઘર મોહલ્લામાં દેવ રાવલ પરિવારનો એકનો એક પુત્ર છે. તેના પિતા પિયુષભાઈ રાવલ ખાનગી કંપનીમાં મિકેનિકલ તરીકે નોકરી કરે છે અને માતા મનિષાબેન ઘરકામ કરે છે. જ્યારે તેની બહેન દિયા કોલેજમાં અભ્યાસ કરે છે અને તે બહેનનો એકનો એક ભાઈ છે. દેવ રાવલે ધો.૧૦ સુધી ભણીને અઢી વર્ષ સુધી ટેકનિકલ જ્ઞાન મેળવ્યું હતું. સાથે સાથે ખાનગી કંપની દ્વારા ઇન્ડિયન આર્મીમાં ટેકનિકલ પરીક્ષા માટે ફોર્મ ભર્યું હતું. ભારતીય સેનામાં આર્મીની મિકેનિકલ પરીક્ષા પાસ થતા અને ટ્રેનીંગ પોતાના દમ પર સફળતાપૂર્વક પૂરી કરીને ભારતીય સેનામાં પ્રવેશ મેળવ્યો હતો.
8 મહિનાની કઠિન તાલીમ દેવ રાવલ અગ્નિવીર તરીકે પસંદગી પામતા સમાજના લોકો અને વિસ્તારના લોકો દ્વારા દેવને શુભેચ્છાઓ પાઠવી હતી. ઘોડા ઉપર દેવને બેસાડીને ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આર્મી જવાનના ગણવેશમાં સજ્જ દેવ ઉપર લોકો દ્વારા પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી. ઢોલ-નગારા સાથે નીકળેલા ભવ્ય વરઘોડાએ વિસ્તારમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. સ્થાનિક લોકો, સમાજ અને પરિવારના લોકોએ મનમૂકીને ડાન્સ કર્યો હતો. જાણે લગ્નનો વરઘોડો કાઢ્યો હોય એવો માહોલ સર્જાયો હતો.
દેવ રાવલની અગ્નિવીર તરીકે પસંદગી થતા માતા-પિતા ભાવુક થઈ ગયા હતા. તેઓએ જણાવ્યું હતું કે, અમારા પુત્રની લશ્કરમાં ભરતી થઈને દેશની સેવા કરવાની ઈચ્છા હતી. તે માટે તે રાત-દિવસ મહેનત કરતો હતો અને આજે તેની મહેનત રંગ લાવી છે. અમે અમારા પુત્ર ઉપર ગર્વ અનુભવીએ છીએ અને ભારે ખુશી વ્યક્ત કરીએ છીએ. બહેન દિયાએ પણ ભાવુક થઇ જણાવ્યું હતું કે, મારો ભાઈ દેશની રક્ષા કરવા માટે જઈ રહ્યો છે. હું ખુશ છું. આ ખુશીનું વર્ણન કરવું અશક્ય છે. કાકા સચિન રાવલે પણ જણાવ્યું કે મારો ભત્રીજો દેશની સેવા કરવા જઈ રહ્યો છે. તે માટે મારી ખુશીનો પાર નથી આજના યુવાનો માટે અગ્નિવીર સારી તક છે.
ભારતીય સેનામાં પસંદગી પામેલ દેવ રાવલે જણાવ્યું હતું કે, મને સ્કૂલ સમયથી જ લશ્કરી જવાન બનવાની ઈચ્છા હતી. મારી ઈચ્છા માટે મારા માતા-પિતા પણ સપોર્ટ કરતા હતા. મેં ત્રણ વર્ષ સુધી NCC કરેલું છે. આ દરમિયાન કોલેજકાળ દરમિયાન કેમ્પસમાં થયેલા ઇન્ટરવ્યૂમાં હાલોલની એક કંપનીમાં નોકરી લાગ્યો હતો. નોકરી કરવાની સાથોસાથ અગ્નિવીરમાં જવા માટે જરૂરી તૈયારીઓ કરતો હતો.
દેવ રાવલે વધુમાં જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા અગ્નિવીર તરીકે યુવાનોની કરવામાં આવી રહેલી ભરતી સારી બાબત છે. અગ્નિવીર તરીકે મારી પ્રાથમિક પસંદગી થયા બાદ ઔરંગાબાદમાં પાંચ માસ અને ભોપાલમાં ત્રણ માસ મળી આઠ માસની ટ્રેનિંગ પૂરી કરી હતી. આ ટ્રેનિંગ પૂરી થયા બાદ મારી અગ્નિવીર તરીકે પસંદગી કરવામાં આવી છે. મારું પ્રથમ પોસ્ટિંગ દિલ્હી પાસે બરેલીમાં છે. તારીખ 19 જૂનના રોજ મારે હાજર થવાનું છે.