- વ્યાજખોર પિતા-પુત્રએ યુવક પાસેથી બળજબરીથી મિલકતનો બાનાખાત કરાવી લીધો હતો, આ ઉપરાંત 65 કોરા ચેક અને પ્રોમીસરી નોટ્સ પણ લખાવી
વડોદરામાં વ્યાજખોર પિતા-પુત્રએ ઇન્દોર મેડીક્રેફ્સ યુનિવર્સિટીમાં પ્રોગ્રામર તરીકે નોકરી કરતા યુવાનને 83 લાખ રૂપિયા વ્યાજે આપીને 1.44 કરોડ રૂપિયા વસુલ્યા બાદ પણ 15 લાખ રૂપિયાની માગણી કરી હતી. આ ઉપરાંત બળજબરીથી મિલકતનો બાનાખાત પણ કરાવી લીધો હતો. આ ઉપરાંત 65 કોરા ચેક અને પ્રોમીસરી નોટ્સ પણ પરત કરી ન હતી. જેથી યુવાને પ્રણવ ત્રિવેદી અને રક્ષેશ ત્રિવેદી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી કસ્તુરીનગર સોસાયટીમાં રહેતા કૌસ્તુભ રણજીતસિંહ શીર્કે (ઉં.વ.45)એ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હાલ હું ઇન્દોર મેડીક્રેફ્સ યુનિવર્સિટીમાં પ્રોગ્રામર તરીકે નોકરી કરું છું અને અગાઉ ઘરેથી જ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતો હતો. વર્ષ 2016માં મને મારા કન્સ્ટ્રક્શનના વેપારમાં નાણાની જરૂરિયાત હોવાથી મારા ઘરની સામે રહેતા તેજસ ભટ્ટે મારી ઓળખાણ ઓમ એન્ટરપ્રાઇઝના પ્રણવ રક્ષેશ ત્રિવેદી અને રક્ષેશ રંજનીકાંત ત્રિવેદી સાથે ત્રિવેદી સાથે કરાવી હતી. બંને પિતા-પુત્રએ મને 1.5 ટકા વ્યાજના દરે ટુકડ ટુકડે 83,14,998 રૂપિયા આપ્યા હતા. તેમની તેઓએ મારી પાસેથી 65 કોરા ચેક અને પ્રોમિસરી નોટ્સ પણ લખાવી લીધી હતી.
પ્રણવ ત્રિવેદી અને રક્ષેશ ત્રિવેદીને હું દર મહિને વ્યાજે લીધેલા રૂપિયા અને વ્યાજ આપતો હતો. તેઓ મારી પાસે 6 ટકા વ્યાજની ગણતરી કરતા હતા. વર્ષ-2016થી 2018 સુધી મેં 1,44,16,024 રૂપિયા મેં તેઓને ચૂકવી દીધા હતા. પ્રણવ ત્રિવેદીને દર મહિને-પંદર દિવસે વ્યાજના રૂપિયા આપવાનું ચૂકાઇ જાય જો તો તેઓ મરજી પ્રમાણે પેનલ્ટી લગાવતા હતા. મેં તેઓની પાસેથી લીધેલા રૂપિયાના તેઓએ 6 ટકા કરતા વધુ વ્યાજ વસુલ્યું હતું.
વર્ષ- 2017માં પ્રણવ ત્રિવેદી વ્યાજ અને મૂડીની વારંવાર ઉઘરાણી કરતા હતા, મારી પાસેથી નાણાંની વ્યવસ્થા ન હોવાથી માંજલપુર ખાતે આવેલા પ્લોટનો બળજબરીપૂર્વક સહીઓ કરાવીને બાનાખત કરાવી લીધો હતો. જેમાં સાક્ષી તરીકે તેજસ ભટ્ટ અને ગૌરાંગ મિસ્ત્રીએ પણ સહીઓ કરી હતી. તે સમયે હું તેમનાથી ડરી ગયો હોવાથી ફરિયાદ કરી નહોતી. આ સમયે મારી મિલકતની કિંમત 81 લાખ ગણવામાં આવી હતી. જો કે, ત્યારબાદ પણ મને ઓફિસે બોલાવીને હજુ 30 લાખ રૂપિયા આપવાના બાકી નીકળે છે તેમ કહીને મને ધમકાવ્યો હતો અને મારા મકાનના બાનાખતમાં મારી સહીઓ કરાવી હતી. તેમાં પણ સાક્ષી તરીકે ગૌરાંગ મિસ્ત્રી અને મારા કાકા અજીત રાજશીર્કેની સહીઓ કરાવી હતી. જો કે, બાનાખતમાં મારા નાના ભાઈ અને નાની બહેનની સહીઓ ન કરાવી હોવાથી બાનાખત અધૂરો રહી ગયો હતો. જેથી પ્રણવ ત્રિવેદી મિલકત તેના નામે કરાવી આપવા માટે અવારનવાર દબાણ કરતો હતો.
વર્ષ-2018માં પ્રણવ ત્રિવેદીએ ફરીથી 20 લાખ રૂપિયા બાકી હોવાનું કહીને રૂપિયાની માગણી કરી હતી. પરંતુ તે સમયે મારી પાસે રૂપિયા ન હોવાથી મારા કાકાએ તેમના મુથુટ ફાઇનાન્સ લિ. સર્ટીના પાકતી મુદતે 8,60,000 રૂપિયા ચિત્રંજનસિંગ રંધાવાના નામે પ્રણવ ત્રિવેદીના કહેવાથી લખી આપ્યા હતા. ત્યારબાદ પણ પ્રવણ ત્રિવેદીએ 15 લાખ રૂપિયા ફરીથી માગ્યા હતા. ધમકીઓ આપીને રૂપિયા માગવાની શરૂઆત કરી હતી. પરંતુ, મારી પાસે નાણાની વ્યવસ્થા ન હોવાથી મેં રૂપિયા આપ્યા નહોતા.
પ્રણવ ત્રિવેદી અને રક્ષેશ ત્રિવેદી પાસેથી 83,14,998 રૂપિયા લીધા બાદ 1,44,16,024 રૂપિયા ચૂકવ્યા હોવા છતાં મારી પાસેથી 15 લાખની માગણી કરે છે. આ ઉપરાંત બળજબરીથી મારા પ્લોટનો બાનાખત પણ કરાવી લીધો છે અને 65 કોરા ચેક અને પ્રોમીસરી નોટ્સ પણ પરત આપી નથી. આ મામલે મેં પ્રણવ ત્રિવેદી અને રક્ષેશ ત્રિવેદી સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.