- સિનિયર મેન્સ અને સબ જુનિયર વુમન્સની ટીમે ગોલ્ડ મેડલ જીત્યા સિનિયર વુમન્સ ગૃપે બ્રેન્ઝ મેડલ અને મેન્સ સબ જુનિયર ટીમે સિલ્વર મેડલ જીત્યો
ગુજરાતમાં એક સમયે ગલીએ ગલીએ રમાતી અને સમય જતાં ખુબ ઓછી લોકપ્રિય બનેલી લંગડીની રમતમાં હવે ગુજરાતી ખેલાડીઓનો પણ દબદબો વધી રહ્યો છે. તાજેતરમાં મહારાષ્ટ્રમાં યોજાયેલી નેશનલ લંગડી ચેમ્પિયનશિપમાં ગુજરાતની મહિલા અને પુરૂષોની ટીમોએ ગોલ્ડ મેડલ જીતી લીધા છે. કુલ મળીને આ ચેમ્પિયનશિપમાં ગુજરાતની ચાર ટીમોએ ચાર મેડલ જીત્યા છે.
મહારાષ્ટ્રના કલ્યાણ ખાતે તાજેતરમાં યોજાયેલી નેશનલ લંગડી ચેમ્પિયનશિપમાં ગુજરાત (વડોદરા)માંથી આ વખતે ૪ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં સિનિયર મેન્સ, સિનિયર વુમન્સ, સબ જુનિયર મેન્સ અને સબ જુનિયર વુમન્સનો સમાવેશ થાય છે. આ ચેમ્પિયનશિપમાં સિનિયર મેન્સની ટીમે નેશનલ લેવલ પર ફાઇનલ જીતીને ગોલ્ડ મેડલ મેળવી લીધો છે. તો સિનિયર વુમન્સ ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સબ જુનિયરમાં પણ મેન્સની ટીમે સિલ્વર જ્યારે વુમન્સની ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આપણી દેશી રમત લંગડીમાં ગુજરાતમાંથી ખુબ ઓછા લોકો ભાગ લેતા હોવાથી રાષ્ટ્રિય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ જોવા મળતુ નહતું પરંતુ છેલ્લા બે વર્ષથી ગુજરાતની ખાસ કરીને વડોદરાની લંગડીની ટીમ રાષ્ટ્રિય કક્ષાએ ખુબ સારો દેખાવ કરી રહી છે.