- ગોરવા પાણીની ટાંકીના સંપની સફાઈ અને લાલબાગ પાણીની ટાંકી ખાતે હયાત પાણીની લાઈન સાથે નવી પાણીની લાઈનનું જોડાણ કરવાની કામગીરી કરાશે
વડોદરા કોર્પોરેશન દ્વારા ગોરવા પાણીની ટાંકીના સંપની સફાઈ અને લાલબાગ પાણીની ટાંકી ખાતે હયાત પાણીની લાઈન સાથે નવી પાણીની લાઈનનું જોડાણ કરવાની કામગીરી તારીખ 28 અને 29 દરમિયાન કરવાની હોવાથી શહેરના ગોરવા, નવાયાર્ડ બ્રિજ તેમજ માંજલપુર નવાપુરા, આર.વી. દેસાઈ રોડ, સિંધવાઈ માતા રોડ, દંતેશ્વર વિગેરે વિસ્તારમાં બે દિવસ પાણીનો કકળાટ સર્જાશે જેને કારણે ચાર લાખ લોકોને સીધી અસર થશે.
વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા શહેરની લાલબાગ ટાંકી ખાતે હયાત 600 મી.મી. વ્યાસની નળીકા સાથે નવિન 600 મી.મી. વ્યાસની નળીકાનું જોડાણ કરવાની કામગીરી તારીખ 28મી ડિસેમ્બર 23ને ગુરૂવારના રોજ હાથ ધરવાની છે. જેથી લાલબાગ ટાંકી પરથી પાણી મેળવતા વિસ્તાર જગદનાથપુરમ, માંજલપુર ગામ વિસ્તાર, લાલબાગ SRP વિસ્તારમાં ગુરૂવારના રોજ સાંજે પાણી વિતરણ કરવામાં આવશે નહીં. તેમજ લાલબાગ ટાંકી પરથી મેળવતા વિસ્તાર રાજમહેલ રોડ, શીયાબાગ વિસ્તાર, નવાપુરા વિસ્તાર, આર.વી. દેસાઇ રોડ, જયરત્ન બિલ્ડીંગ આસપાસનો વિસ્તાર, માંજલપુર, દિપ ચેમ્બર, તુલસીધામ વિસ્તાર, લાલબાગ SRP વિસ્તાર, સીંધવાઇમાતા રોડ, ડેરી રોડ, દંતેશ્વર ગામ વિસ્તાર, વિશ્વામીત્રી સ્ટેશન વિસ્તારમાં તારીખ 29મી ડિસેમ્બરને શુક્રવારના રોજ સવારે નિયત સમય કરતાં વિલંબથી અને હળવા દબાણથી તેમજ ઓછા સમય માટે પાણી વિતરણ કરવામાં આવશે. જેથી જાહેર જનતાએ નોંધ લેવા તેમજ જરૂરી પાણીનો જથ્થો સંગ્રહ કરવા તેમજ કામગીરીમાં સહકાર આપવા પાલિકા દ્વારા નોટિફિકેશન જારી કરવામાં આવી છે.
આ સાથે પાણીની ટાંકીના સંપની સફાઇની કામગીરી તારીખ 28મી ડિસેમ્બરે ગુરૂવારના રોજ સવારના પાણી વિતરણ બાદ કરવાની હોવાથી ગોરવા પાણીની ટાંકી ખાતેથી સાંજના સમયે વિતરણ થતાં ઝોન-1) બપોરે 4થી 5 ગોરવા ગામ, ગોરવા પોલીસ સ્ટેશન આસપાસનો વિસ્તાર, ગોરવા બાપુની દરગાહ સામે ઓમ સોસાયટી, આંગણ ડુપ્લેક્ષ વિસ્તાર, સત્યમ એપાર્ટમેન્ટ આઇ.ટી.આઈ. પાસે તરફનો વિસ્તાર, સાંજે 6થી 7 ગોરખનાથ મંદિરથી નવાયાર્ડ બ્રીજ તરફનો સમગ્ર વિસ્તાર, બાપુની દરગાહની પાછળથી ધુનગર ચાર રસ્તા વિસ્તાર, આઇ.ટી.આઇ. ચાર રસ્તાની જમણી બાજુ તેમજ પંચવટી ચાર રસ્તાથી મધુનગર ચાર રસ્તા તરફનો સમગ્ર વિસ્તાર ખાતે પાણી વિતરણ કરવામાં આવશે નહીં.
આ સાથે બીજા દિવસે તારીખ 29મી ડિસેમ્બરે શુક્રવારના રોજ સવારના સમયનું પાણી નિયત સમય કરતાં વિલંબથી, ઓછા દબાણથી અને ઓછા સમય માટે વિતરણ કરવામાં આવશે. જેની આ વિસ્તારના નાગરીકોએ ધ્યાનમાં લઇ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. આ બાબતે પાણી પુરવઠા અધિકારી અમૃત મકવાણાએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાયકા-દોડકા ફ્રેંચવેલમાં લિકેજના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. આ બંને વિસ્તારોમાં આશરે ચાર લાખ લોકોને અસર થશે.