વડોદરાથી દાહોદ મેમુ ટ્રેનને રેલ રાજ્યમંત્રીએ લીલી ઝંડી આપી, મેક્સિમમ 110 કિ.મી.ની સ્પીડે દોડશે

12 કોચની ટ્રેનમાં 950 મુસાફરોની કેપેસિટી સહિત એક મહિલા કોચ સામેલ કરાયો

MailVadodara.com - Vadodara-to-Dahod-MEMU-train-given-green-light-by-Minister-of-State-for-Railways-will-run-at-a-maximum-speed-of-110-kmph

- ટ્રેન એનાઉન્સમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ડિસ્પ્લે, બાયો ટોઇલેટ, CCTVથી સજ્જ છે, વડોદરાથી દાહોદ પહોંચતા 4 કલાક જેટલો સમય લાગશે


વડોદરાથી દાહોદ વચ્ચે મેમુ ટ્રેનને આજે સવારે 9.50 વાગ્યે રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ ટ્રેનની વિશેષતા એ છે કે, આ ટ્રેનમાં સોલાર સિસ્ટમ લગાવવામાં આવી છે. જેથી આ ટ્રેન વીજળી ઉત્પન્ન કરશે, જેથી 30 ટકા જેટલી વીજળીની બચત થશે. ઉપરાંત આ ટ્રેન દરેક નાનાં-નાનાં સ્ટેશનો કવર કરશે. 950 મુસાફરની કેપેસિટી સાથે 1100 જેટલા લોકો ઊભા ઊભા મુસાફરી કરી શકશે. આ સાથે એનાઉન્સમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ડિસ્પ્લે, બાયો ટોયલેટ, CCTV સહિતની સેવાઓથી ટ્રેનને સજ્જ કરવામાં આવી છે.

રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશ અને સાંસદ રંજનબેન ભટ્ટ આજરોજ વડોદરા-દાહોદ મેમુને સવારે પ્રસ્થાન કરાવ્યું હતું. આ ટ્રેનમાં કેટલીક વિશેષ સુવિધા મુસાફરોને જોવા મળશે. જેમાં મુંબઈની સમર્પણ ટ્રેનની જેમ એનાઉન્સમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ડિસ્પ્લે, સીસીટીવી કેમેરા અને બાયો ટોઇલેટની સુવિધા છે. આ ટ્રેન 12 કોચ સાથે ચલાવાશે. જેમાં એક મહિલા સ્પેશિયલ કોચ પણ સામેલ હશે. આ ટ્રેનની મેક્સિમમ સ્પીડ 110 કિ.મી.ની રહેશે.


ટ્રેનના સમય અંગે વડોદરા ડિવિઝનના ડીઆરએમ જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, 26મી સપ્ટેમ્બરના રોજ ટ્રેન 09115 વડોદરા-દાહોદ મેમુ વડોદરાથી સવારે 9:30 વાગ્યે ઊપડશે અને બપોરે 13:25 વાગ્યે દાહોદ પહોંચશે. નિયમિત સેવા તરીકે, ટ્રેન નં. 09105 (ઓરિજિનલ ટ્રેન 69223) વડોદરા-દાહોદ મેમુ 27 સપ્ટેમ્બર, 2023થી દરરોજ સવારે 8:45 કલાકે વડોદરાથી ઊપડશે અને બપોરે 12:45 કલાકે દાહોદ પહોંચશે. બદલામાં, ટ્રેન 09106 (મૂળ ટ્રેન 69234) દાહોદ- વડોદરા મેમુ દાહોદથી દરરોજ 15:50 કલાકે ઊપડશે અને 19:55 કલાકે વડોદરા પહોંચશે.

વધુમાં ઉમેર્યું હતું કે, આ ટ્રેન બંને દિશામાં છાયાપુરી, પિલોલ, સમલયા જંક્શન, ચાંપાનેર રોડ જંક્શન, બાકરોલ, દેરોલ, ખરસલિયા, ગોધરા જંક્શન, કનસુધી, ચાંચલાવ, સંત રોડ, પીપલોદ, લીમખેડા, મંગલ મહુરી, ઉસરા, જેકોટ અને રેંટિયા સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં સામાન્ય વર્ગ અને પ્રથમ વર્ગના કોચ હશે.


લોકલ ટ્રેન તરીકે કાર્યરત થનાર વડોદરા-દાહોદ મેમુ ટ્રેનના રેકમાં એર સસ્પેન્શન લગાવવામાં આવ્યાં છે, જેથી વંદે ભારત ટ્રેન જેવો અનુભવ મુસાફરોને થશે. જેના કારણે ટ્રેનમાં મુસાફરી દરમિયાન લોકોને ઝાટકા નહીં વાગે અને સ્મૂથ રાઇડિંગનો અનુભવ થશે. આ ઉપરાંત ટ્રેન ચાલવાની સાથે જ તેમાં રહેલી વિશેષ સુવિધાઓને પગલે વીજળીનું ઉત્પાદન થશે અને તેનાથી 30 ટકા વીજળીની બચત થશે. રેલવે દ્વારા આ ટ્રેનને થ્રી ફેઝ રેક તરીકે ઓળખવામાં આવે છે.

રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે, આજથી વર્ઝન થ્રી મેમુની શરૂઆત કરવામાં આવી છે. આ ટ્રેનની 950 મુસાફરોની કેપેસિટી છે. 1100 જેટલા લોકો ઊભા ઊભા મુસાફરી કરી શકે છે અને દરેક નાનાં-નાનાં સ્ટેશનો કવર કરીને ટ્રેન વડોદરાથી દાહોદ પહોંચશે. વડાપ્રધાન મોદી હંમેશાં કહેતા આવ્યા છે કે, વડોદરા અને દાહોદ વચ્ચેના આખા બેલ્ટને ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર બનાવવાનો છે. એન્જિન ફેક્ટરી પણ દાહોદમાં છે, ત્યારે આ રૂટની કનેક્ટિવિટી માટે અને આદિવાસી વિસ્તારમાં કનેક્ટિવિટી માટે લેટેસ્ટ વર્ઝનની આજથી શરૂઆત કરવામાં આવી છે. જેમાં ડિસ્પ્લે, બાયો ટોઇલેટ સહિતની સેવાઓથી સજ્જ ટ્રેન શરૂ કરાઈ છે. ટ્રેનની અંદર સોલાર સિસ્ટમને કારણે પાવર સેવિંગ થશે. ટ્રેનની અંદર લાગેલી ડિસ્પ્લેને કારણે કયું સ્ટેશન આવ્યું તેનું ડિસ્પ્લે થશે.

Share :

Leave a Comments