વડોદરા ઠગ પિતા-પુત્રે નોકરી કરવા સાઉથ આફ્રિકા મોકલવાના નામે યુવાન પાસેથી 7.83 લાખ પડાવ્યા

ટીપી-13 કલ્પવૃક્ષ સોસાયટીમાં રહેતા હર્ષ પટેલે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - Vadodara-thug-father-and-son-extort-7-83-lakhs-from-young-man-in-the-name-of-sending-him-to-South-Africa-for-work

- ભેજાબાજ મયુર જોષી અને નરેશ જોષી પાસપોર્ટ વીઝાની અને સાઉથ આફ્રિકામાં નોકરી માટેની ફાઇલ તૈયાર કરીને મોકલવાની કામગીરી કરતા હતા

- ભેજાબાજ પુત્ર મયુર જોષી સાઉથ આફ્રિકા ભાગી ગયો હોવાનું બહાર આવ્યું

વડોદરામાં પિતા-પુત્ર ભેજાબાજોએ મળીને યુવાનને સાઉથ આફ્રિકા નોકરી માટે મોકલવાના નામે 7.83 લાખ રૂપિયાની ઠગાઈ આચરી છે. જેમાંથી પુત્ર તો સાઉથ આફ્રિકા ભાગી ગયો હોવાનું બહાર આવ્યું છે. આ મામલે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

વડોદરાના છાણી જકાતનાકા ટીપી-13 વિસ્તારમાં આવેલ કલ્પવૃક્ષ સોસાયટીમાં રહેતા હર્ષ ડાહ્યાભાઈ પટેલ (ઉં.વ. 25)એ કપુરાઇ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું સર્વિસ સ્ટેશનમાં નોકરી કરું છું. આજથી દશેક વર્ષ અગાઉ મયુર નરેશભાઈ જોષી અને નરેશ ભીખુભાઈ જોષી (બન્ને રહે. પંચરત્ન એપાર્ટમેન્ટ, પરિવાર ચાર રસ્તા, વડોદરા) સાથે મારે મિત્રતા થઈ હતી અને તેના કારણે અમારા વચ્ચે સારા સંબંધ હોવાથી કુંટુંબમાં અવરજવર રહેતી હતી.

મયુર અને નરેશ પાસપોર્ટ વીઝાની અને સાઉથ આફ્રિકામાં નોકરી માટેની ફાઇલ તૈયાર કરીને મોકલવાની કામગીરી કરતા હતા. જેથી હું તથા મારો મિત્ર કુલદીપ જયપ્રકાશ ચૌહાણ (રહે. પ્રથમ એવન્યુ, પરિવાર ચાર રસ્તા પાસે, વડોદરા) જુલાઈ-2023માં બન્ને મિત્રોના ઘરે ગયા હતા અને તેઓને અમે જણાવ્યું હતું કે, અમારે સાઉથ આફ્રિકામાં નોકરી અર્થે જવું છે. ત્યારે તેઓએ અમને જણાવ્યું હતું કે, સાઉથ આફ્રિકામાં મારો મોટો ભાઈ ભાર્ગવ નોકરી કરે છે. મયુરે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષ હું સાઉથ આફ્રિકામાં નોકરી કરીને આવ્યો છું અને ફરીથી સાઉથ આફ્રિકા ખાતે નોકરી કરવા જવા માટેની ફાઇલ મુકવાનો છું. જેથી તમે બન્ને પણ મારી સાથે સાઉથ આફ્રિકા ચાલો. તમને હું નોકરી અપાવીશ. જેથી અમે બન્નેએ જણાવ્યું હતું કે, અમારા પરિવારના સભ્યોને પૂછીને તમોને જાણ કરીશું. ત્યાર બાદ તા.27/07/2023ના રોજ સવારના દશેક વાગ્યાના સુમારે હું અને કુલદીપ ચૌહાણે મયુર જોષી તથા નરેશ જોષીના ઘરે ગયા હતા. ત્યારે તેઓને અમે જણાવ્યું હતું કે, અમે સાઉથ આફ્રિકા જવાની ઇચ્છા ધરાવીએ છીએ.

જેથી મયુર જોષીએ અમને જણાવ્યું હતું કે, સાઉથ આફ્રિકા જવાનો ખર્ચ 7,50,000 રૂપિયા થશે. ત્યારે મારા મિત્ર કુલદીપે તેઓને જણાવ્યું હતું કે, હાલમાં મારી પાસે આટલા રૂપિયાની સગવડ નથી. જો કે, મેં હા પાડી હતી અને ખર્ચ પેટે 5 હજાર રૂપિયા ઓનલાઇન મયુર જોષીના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા અને ત્યાર બાદ 7.83 લાખ રૂપિયા ચુકવ્યા હતા.

ત્યાર બાદ અમે તેઓને જણાવ્યું હતું કે, સાઉથ આફ્રિકા જઈને કઈ કંપનીમાં નોકરી મેળવવાની છે, તે માટે ઓફર લેટર તથા પેપર માંગતા તેઓ અમોને ગલ્લા તલ્લા કરતા હતા. સાઉથ આફ્રિકા જવા માટેની કોઈ કાર્યવાહી કરી નથી. જેથી રૂપિયા માંગવા છતા આજ દિવસ સુધી પરત આપ્યા નથી અને મારી સાથે છેતરપિંડી આચરી છે. મયુર જોષી હાલમાં વિદેશમાં છે. આ મામલે મયુર અને નરેશ જોષી સામે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Share :

Leave a Comments