વડોદરા પાસે હોટલ પાછળ ચાલતા સળીયા ચોરીનું કૌભાંડ ઝડપાયું, રૂા.1.22 કરોડનો મુદ્દામાલ કબજે

વરણામા પોલીસે હોટલ સંચાલક સહિત 6 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો

MailVadodara.com - Vadodara-theft-scam-caught-running-behind-hotel-valuables-worth-Rs-1-22-crore-seized

- ટ્રેલરચાલકો સળીયાનું મૂળ વજન સરભર કરવા લોખંડની પ્લેટો મૂકી દેતા હતા, વરણામા પોલીસે ત્રણ ટ્રેલરચાલકોને ઝડપ્યા, અન્ય ત્રણ ફરાર


વડોદરા નજીક વરણામા પાસે આવેલી એક હોટલના પાછળના ભાગમાં લોખંડના સળીયા સગેવગે કરવાના ચાલી રહેલા કૌભાંડનો વરણામા પોલીસે પર્દાફાશ કર્યો છે. ટ્રેલર ચાલકો સળીયા કાઢી તેમાં લોખંડની પ્લેટો મૂકી ટ્રેલરનું વજન કરતા હતા અને ઓછા સળીયા જે તે જગ્યાએ ખાલી કરતા હતા. પોલીસે આ કૌભાંડમાં રૂપિયા 1.22 કરોડની મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.


મળતી માહિતી મુજબ, વરણામા પોલીસ મથકના પી.એસ.આઇ. બી.એન. ગોહિલને માહિતી મળી હતી કે, નેશનલ હાઇવે નંબર 48 ઉપર વરણામા ગામ પાસે અમૃતસર ખાલસા હોટલના માલિક દ્વારા હોટલની પાછળના ભાગમાં લોખંડના સળીયા ભરેલા ટ્રેલરોમાંથી સળીયા સગેવગે કરવામાં આવી રહ્યા છે. જે માહિતીના આઘારે વરણામા પોલીસે ખાત્રી કરી દરોડો પાડ્યો હતો, પોલીસે દરોડો પાડતા ત્રણ ટ્રેલર ચાલકને પોલીસે દબોચી લીધા હતા. જ્યારે અન્ય ત્રણ ટ્રેલરચાલકો ફરાર થઇ ગયા હતા. તે સાથે પોલીસે રૂપિયા 1.22 કરોડનો મુદ્દામાલ સ્થળ પરથી કબજે કર્યો હતો.


પોલીસ વધુ તપાસ કરતાં જાણવા મું હતું કે, સળીયા ભરેલા ટ્રેલરો અમૃતસર ખાલસા હોટલના પાછળના ભાગે આવતા હતી, પોલીસે દરોડો પાડ્યો ત્યારે સળીયા ભરેલા ત્રણ ટ્રેલરો ઉભા હતા અને સળીયા ભરેલા ટ્રેલરમાંથી સળીયા ઉતારી ખાલી ટ્રકમાં ભરી રહ્યા હતા. ટ્રેલરચાલકો સળીયાનું મૂળ વજન કરવા માટે ટ્રેલરમાં લોખંડની પ્લેટો મૂકી દેતા હતા. જે બાદ મૂળ વજન થઇ ગયા બાદ સળીયા જે તે પાર્ટીને ત્યાં પહોંચતા કરતા હતા.


વરણામા પોલીસે આ બનાવમાં રાજુરામ ઉમેદભાઇ નાઇ (રહે. સોભલા, રાજસ્થાન), ગણેશકુમાર પૂર્યારામ ચૌધરી (રહે, સનાવાડા, રાજસ્થાન) અને હોટલ માલિક સુખવંતસિંહ અમરર્સીંગ (રહે. અમૃતસર ખાલસા હોટલ, વરણામા)ની ધરપકડ કરી હતી, જ્યારે ગુમનારામ ચૌધરી (રહે, ખત્રીયાકી બેરી, રાજસ્થાન), ખુમારામ ચૌધરી (રહે. રાજસ્થાન) અને મંગારામ ચૌધરી (રહે. રાજસ્થાન) પોલીસે દરોડો પાડતાજ સ્થળ પર પોતાના ટ્રેલર છોડી ફરાર થઇ ગયા હતા.


પોલીસે સ્થળ પરથી 36 એમ.એમ.ના 45140 કિલો સળીયા, 10 એમ.એમ.ના 42030 કિલો સળીયા, 4500 કિલો વજનના લોખંડના 150 નંગ ચોસલા, 3 ટ્રેલર, મોબાઇલ ફોન, રોકડ રૂપિયા 5790 મળી કુલ રૂપિયા 1,22,19,190નો મુદ્દામાલ કબજે કર્યો હતો. વરણામા પોલીસે આ બનાવમાં હોટલ સંચાલક સહિત 6 આરોપીઓ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments