વડોદરા શોકમગ્ન : હરણી તળાવ બોટ દુર્ઘટનામાં હોમાયેલા લોકોના એક બાદ એક મૃતદેહો અંતિમક્રિયા માટે નીકળ્યા

ક્યાંક અંતિમયાત્રા તો ક્યાંક જનાજો, નાના બાળકોના મૃતદેહો જોઈ શહેરીજનો હીબકે ચડયા

MailVadodara.com - Vadodara-mourns-One-after-another-bodies-of-people-killed-in-Harani-lake-boat-accident-leave-for-cremation

- કિશનવાડી વિસ્તારમાં વિશ્વા કલ્પેશભાઈ નિઝામા અને નેન્સી માછી બંને મૃતક બાળકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા


વડોદરા શહેર સહિત આખું રાજ્યભરના લોકો તા.18 જાન્યુઆરી, 2024નો ગઈકાલનો દિવસ ક્યારેય ભૂલી શકશે નહીં. વડોદરાના હરણી તળાવમાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો અને શિક્ષકો ફરવા માટે પહોંચ્યા હતા. જ્યાં ક્ષમતા કરતા વધુ લોકોને બોટમાં બેસાડતા બોટ પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં 12 બાળક અને બે શિક્ષકોના મોત નીપજ્યા છે. ઘટના બાદ શહેરની બે હોસ્પિટલમાં મૃતદેહો અને બાળકોના વાલીઓનો વલોપાત દેખાઈ રહ્યો હતો. આજે બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ બાળકો અને શિક્ષકોના મૃતદેહોની પરિવારજનો દ્વારા અંતિમવિધિ કરવામાં આવી હતી. આ ઘટનાએ વડોદરા સહિત સમગ્ર ગુજરાતને શોકમાં ગરકાવ કરી દીધુ છે.


બાળકોની અંતિમયાત્રામાં સ્વજનોના ટોળેટોળા એકત્રિત થયા હતા. શહેરીજનો નાના બાળકોના મૃતદેહો જોઈને હીબકે ચડ્યા હતા. હજુ પણ અમુક સ્વજનો આ ઘટનાના કારણે શોકમાં છે અને સ્વીકારવા તૈયાર જ નથી કે તે પોતાનું બાળક ગુમાવી ચૂક્યા છે.


મોતને ભેટેલા આ બાળકોની ક્યાંક અંતિમ યાત્રા તો ક્યાંક જનાજો નિકળ્યો હતો અને સ્મશાનમાં તેમજ કબ્રસ્તાનમાં તેમની અંતિમ વિધિ થઈ હતી. તેમાં પણ શહેરના ખાસવાડી સ્મશાનમાં તો શિક્ષકા અને તેમની શિષ્યાના મૃતદેહને એક સાથે અગ્નિદાહ અપાયો તો હાજર રહેલા લોકોની આંખો આંસુથી છલકાઈ ગઈ હતી. શિક્ષિકા અને તેમની વિદ્યાર્થિનીનો સ્કૂલની જગ્યાએ સ્મશાનમાં મેળાપ થયો હતો. આ ગોઝારી દુર્ઘટનામાં મોતને ભેટનારાઓમાં બીજા ધોરણમાં ભણતી અને આજવા રોડ પર પ્રતિભા સોસાયટીમાં રહેતી નેન્સી માછી તેમજ આજવા રોડ પર નવજીવન સોસાયટીમાં રહેતા શિક્ષિકા ફાલ્ગુનીબેન પટેલનો સમાવેશ થતો હતો.


આજે તેમની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાનેથી નિકળી હતી અને યોગાનુયોગ એક સાથે કારેલીબાગના ખાસવાડી સ્મશાને પહોંચી હતી. જ્યાં શિક્ષિકા અને તેમની વિદ્યાર્થિનીના નશ્વર દેહના એકબીજાની આજુબાજુમાં જ અંતિમ સંસ્કાર થતા કરુણ દ્રશ્ય સર્જાયું હતું.

પાણીગેટ વિસ્તારમાં એક પરિવાર માટે ખૂબ જ અઘરી સ્થિતિ ઊભી થઈ છે. એક તરફ દીકરી ગુમાવી એનો જનાજો તો બીજી તરફ એક દીકરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. રડતી આંખે માતા કહે છે કે, બહેન સોફિયા હજુ પણ હોસ્પિટલમાં બૂમો પાડે છે કે, હું મારી નાની બહેનને બચાવી શકી નહી.

શહેરના કિશનવાડી વિસ્તારમાં રહેતા કલ્પેશભાઈ નિઝામાએ તેમના પુત્ર વિશ્વાને આ દુર્ઘટનામાં ગુમાવ્યો હતો ત્યારે કિશનવાડી વિસ્તારમાં વિશ્વા કલ્પેશભાઈ નિઝામા અને નેન્સી માછી બંને મૃતક બાળકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે.


વિશ્વાની માતાએ જણાવ્યું હતું કે, મારા દીકરાને મેં જવા માટે ના પાડી હતી તેમ છતાં તે જીદ કરીને ગયો, ઘરે પાછો ના આવ્યો. વિશ્વાના પિતાએ રડતી આંખે રોષ ઠાલવતા કહ્યું કે, મારી માંગણી છે કે, આ ઘટનામાં સંડોવાયેલા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તમે લોકો પૈસા આપીને કંઈ મારા છોકરાને પાછો નથી અપાવવાના. સ્કૂલવાળા મારા દીકરાને ગાર્ડનમાં લઈ જવાનું કહીને લઈ ગયા હતા અને તળાવમાં લઈ ગયા અને ત્યાં બોટમાં પણ બેસાડયો, જેના કારણે મારા દીકરાએ જીવ ગુમાવ્યો છે, મારે ન્યાય જોઈએ છે.

Share :

Leave a Comments