હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ વડોદરામાં આજે દિવસ દરમિયાન વરસાદી વાદળો રહ્યા હતા. વાદળછાયા વાતાવરણ બાદ ગઇકાલે મોડી રાત્રે ગાજવીજ અને પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ થયો હતો. ભારે પવનના કારણે કેટલાક વિસ્તારોમાં વૃક્ષો, હોર્ડિંગ્સ જમીનદોસ્ત થઇ ગયા હતા. કેટલાક વિસ્તારોમાં વીજપુરવઠો પણ ખોરવાઇ ગયો હતો.
શહેરમાં મોડી રાત્રે વરસેલા વરસાદને પગલે શહેરમાં ફરવા નીકળેલા તેમજ નોકરી ધંધાએ નીકળેલા લોકો અટવાઇ પડ્યા હતા. શહેરના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. તો કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ રહ્યો હતો. ગાજવીજ સાથે પડેલા વરસાદને પગલે વડોદરા શહેરનો માહોલ અષાઢ જેવો બની ગયો હતો.
કમોસમી વરસેલા વરસાદને પગલે ખેડૂતો ચિંતાતુર બની ગયા હતા. વડોદરા શહેરની સાથે વડોદરા જિલ્લાના કેટલાક તાલુકાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળ્યા હતા. કેટલાક ઠેકાણે વીજળી પડી હોવાના પણ અહેવાલો પ્રાપ્ત થયા હતા. જો કે, કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી. કમોસમી વરસેલા વરસાદને પગલે ખેડૂતો ચિંતાતુર બની ગયા હતા. હાલમાં ચાલી રહેલા શરદી, ખાંસી, તાવની બીમારી વચ્ચે વરસેલા વરસાદથી લોકોમાં ગભરાટ ફેલાવી દીધો હતો. મોડી રાત્રે વરસેલા વરસાદને પગલે શહેરના બજાર રોજના સમય કરતા વહેલા બંધ થઈ ગયા હતા.
ફૂટપાથવાસીઓ દયનીય સ્થિતીમાં મુકાઇ ગયા. રાત્રે 11 વાગે પણ ઝરમર ઝરમર વરસાદ ચાલુ રહ્યો. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી બે ત્રણ દિવસ સુધી માવઠું થાય તેવી આગાહી કરવામાં આવેલી છે. ગઇકાલે સાંજના સુમારે અચાનક વાતાવરણમાં પલટો આવતા સમગ્ર રાજ્યમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે વીજળી સાથે વરસાદ પડવાની શરૂઆત થયી હતી. બદલાયેલા વાતાવરણ વચ્ચે ભારે પવનની ગતિના કારણે નંદેશરી ગામમાં આવેલ મધુવન સોસાયટીના બાજુમાં આવેલા તાડના ઝાડ ઉપર વીજળી પડતા સૌ ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. તાડના ઝાડ ઉપર અચાનક વીજળી પડતા તાડનું ઝાડ ભડકે બળ્યું હતું. સમગ્ર વીજળી પડવાની ઘટનામાં કોઈ જાનહાની નહીં થતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.