વડોદરાના વાસણા રોડ પાસે રહેતા અને મોબાઈલ એસેસરીઝનો ધંધો કરતા વેપારીએ અકોટા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ 2013માં હું સ્ટુડન્ટ વિઝા ઉપર સિંગાપુર ગયો હતો. ત્યાં અભ્યાસ સાથે કામ પણ કરતાં હતો. ત્યાં મને સામાવાળા નિરજભાઈ પટેલે તેઓની હોસ્ટેલમાં ભાડેથી રાખ્યો હતો. બાદમાં તેઓની સાથે ઓળખાણ અને પરિચય બાદ અને તેઓએ જણાવ્યું કે, હું લોકોને વિઝા કઢાવી વિદેશ મોકલવાનુ કામ કરું છું અને ઘણાં બધાને વિદેશ મોકલ્યા છે.
આ બાબતની વાતચીત બાદ વર્ષ 2014માં સિંગાપુરથી હું પરત આવી ગયો હતો અને ખાનગી નોકરી કરતો હતો અને લગ્ન કર્યા બાદ હું તથા મારી પત્નીએ સાથે નક્કી કર્યું કે, આપણે વિદેશમાં કેનેડા કે બીજા દેશમાં જઈએ અને ત્યાં કામ કરી પૈસા ભેગા કરીએ તેવું વિચારી વર્ષ 2020માં આ સ્ટારરીચ ઇન્ટરનેશનલ પ્રા.લી, જેની ઓફિસ રેસકોર્સ ખાતે સીડકપ ટાવરમાં આવેલી છે. ત્યાં નિરજ પટેલને મળેલા અને તેમને વિદેશ જવાની વાત કરતાં તેઓ અમોને જણાવ્યું કે, મારે તુર્કીમાં સારા એવા કોન્ટેક્ટ છે અને ત્યાંના વર્કિંગ વિઝા કરાવી આપીશ. રહેવા-જમવાની સગવડ કરી આપીશ તથા તમે મહિને ઓછમાં ઓછા દોઢ લાખ કમાશો અને મેં ઘણા લોકોને તુર્કી, પોલેન્ડ, સ્પેન, યુ.કે. મોકલ્યા છે. તેઓએ પતિ-પત્ની બંનેને જવાનો ખર્ચ 7 લાખ રૂપિયા કહ્યો હતો. જેમાં ટિકિટ વિઝા તથા ત્યાં રહેવાના ભાડાના થશે અને માર્ચ મહિના પછી આવશો તો ભાવ હજી વધી જશે તેમ કહી અમારે વિદેશ જવાનું હોવાથી મેં હા પાડી હતી.
આ દરમિયાન એડવાન્સની રકમ રોકડા આપવા પડશે અને અન્ય બાકીની રકમ ઓનલાઈન આપવાની રહેશે તેવું જણાવ્યું હતું. બાદમાં જાન્યુઆરી મહિનામાં આ નિરજ પટેલને તેમની ઓફિસમાં જઈ એક લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. સાથે પત્નીનો પાસપોર્ટ જમા કરાવ્યો હતો.
આ સમગ્ર મામલે ફરિયાદીએ છૂટક છૂટક આરોપીને રૂપિયા 7 લાખ જમા કર્યા હતા. ત્યારબાદ નિરજ પટેલનો કોલ આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તમારા તુર્કીના વર્કિંગ વિઝા અને વડોદરાથી ફ્લાઈટની ટિકિટ સાથે તુર્કીની કંપનીમાં જોબ નક્કી કરી આપું છું અને તમારે ત્યાં જઈ એક ભાડા કરાર કરવાનો છે અને તમારે તુર્કીના ઈસ્તાંબુલ સિટીમાં જવાનું છે. આ તમારી એર ટિકિટ અને પાસપોર્ટ લઈ જાઓ. બાદમાં પાસપોર્ટમાં જોતાં અમારા પાસપોર્ટમાં વર્કિંગ વિઝાની જગ્યાએ ટુરિસ્ટ વિઝાનો સિક્કો માર્યો હતો. જેથી મેં નિરજભાઈ પટેલને કહ્યું કે, અમારે તો વર્કિંગ વિઝા ઉપર જવાનું છે અને આ તો ટૂરિસ્ટ વિઝા છે. તેમ કહેતાં તેઓએ મારી સાથે રકઝક કરી હતી અને જણાવ્યું કે, તમોને બે-ત્રણ મહિનામાં તમારા પૈસા પરત આપી દઈશ. બાદમાં તેઓ બહાર હોવાનું જણાવી વારંવાર ખોટું બોલી વિશ્વાસ તોડતા. આ મામલે આખરે નિરજકુમાર પરમાનંદભાઈ પટેલ સામે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.