ઓળખીતા લોકોને નકલી સોનું પધરાવી ઠગાઇ કરનાર વડોદરાનો ભેજાબાજ 13 વર્ષે સુરતથી ઝડપાયો

આરોપી પ્રમોદ પટેલ હાલ સુરતમાં હોવાની માહિતી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો

MailVadodara.com - Vadodara-fraudster-who-duped-acquaintances-with-fake-gold-arrested-13-years-from-Surat

- ગોત્રીમાં રહેતા ભેજાબાજ પ્રમોદ પટેલે બીમારી, અકસ્માત અને આર્થિક ભીંસ જેવા કારણો બતાવી ઓળખીતા લોકોને સોનાનો ઢોળ ચઢાવેલું નકલી સોનું આપી રોકડ રકમ લેતો હતો

બિમારી, અકસ્માત અને આર્થિક ભીંસ જેવા કારણો બતાવી ઓળખીતા લોકોને સોનાના ઢાળ ચઢાવેલું સોનું પધરાવી લાખો રૂપિયા લઇ છેતરપિંડી કરનાર શહેરના ભેજાબાજની ક્રાઇમ બ્રાંચે સુરતથી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ ભેજાબાજે સુરતમાં નકલી સોનું પધરાવી ઠગાઇ કરી હતી. આરોપી છેલ્લા 13 વર્ષથી વડોદરા પોલીસ અને 5 વર્ષથી સુરત પોલીસને ચકમો આપી રહ્યો હતો.


મળતી માહિતી અનુસાર વડોદરાના ગોત્રીમાં ગોકુલ ટાઉનશીપનો મૂળ રહેવાસી અને હાલ કલ્પ પવિત્રા એપાર્ટમેન્ટ, નારાયણ ગાર્ડન રોડ, વડોદરા અને સુરત મોટા વરાછા રોડ ઉપર આવેલ સાશ્વત એપાર્ટમેન્ટમાં રહેતા પ્રમોદ વલ્લભભાઇ અણઘણ (પટેલ)ની શહેર ક્રાઇમ બ્રાંચે સુરત ખાતેના તેના નિવાસ સ્થાનેથી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઇમ બ્રાંચના પી.આઇ. આર.જી. જાડેજાએ જણાવ્યું હતું કે, ભેજાબાજ પ્રમોદ અણઘણે (પટેલ) વર્ષ-2009-10માં તેઓના ઓળખીતા લોકોને બીમારી, અકસ્માત અને આર્થિક ભીંસ જેવા કારણો બતાવી વિશ્વાસમાં લઇ સોનાનો ઢોળ ચઢાવેલું નકલી સોનું આપી રોકડ રકમ લેતો હતો. તેણે અનેક લોકોને નકલી સોનું આપીને રૂપિયા 7,90,000 લીધા હતા.

લોકોને વાયદા મુજબ નાણાં પરત ન કરતા લોકો સોનું વેચવા માટે ગયા ત્યારે તેઓને જાણ થઇ કે, સોનું નકલી છે. દરમિયાન છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ, ભેજાબાજ પ્રમોદ પટેલ નામો બદલો બદલીને અલગ-અલગ જગ્યાએ રહેતો અને પોલીસને ચકમો આપી રહ્યો હતો. આ આરોપી પ્રમોદ અણઘણે (પટેલ) સુરત શહેરમાં પણ 5 વર્ષ પહેલાં સોનાનો ઢાળ ચઢાવેલ દાગીના આપીને રોકડ રકમ લઇને પરત કરતો ન હતો. આથી સુરતના લોકોએ પણ તેની વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. પરંતુ, તે સુરત પોલીસને પણ ચકમો આપતો હતો.

આ દરમિયાન આરોપી પ્રમોદ પટેલ હાલ સુરતમાં હોવાની માહિતી ક્રાઇમ બ્રાંચે થતાં પી.આઇ. આર.જી. જાડેજા, પી.આઇ. એચ.ડી. તુવર, પી.એસ.આઇ. એન.જી. જાડેજા તેમજ સ્ટાફના ઉદેસિંહ બિપીનભાઇ, જગદીશભાઇ, હિતેષભાઇ, અમુલભાઇ, કનૈયાલાલ અને બળદેવસિંહની ટીમ સુરત ખાતે પહોંચી ગઇ હતી. અને સ્થાનિક પોલીસની મદદ લઈને પ્રમોદ પટેલને તેના ઘરેથી દબોચી લીધો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

Share :

Leave a Comments