વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ, વાહન ચોરી જેવા 50થી વધુ ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપીને ઝડપી પાડ્યો

છેલ્લા 22 વર્ષથી અમિત ઉર્ફે શ્યામ દરજી ઘરફોડ-વાહન ચોરીના ગુનાઓ આચરતો હતો

MailVadodara.com - Vadodara-crime-branch-nabbed-a-habitual-accused-involved-in-more-than-50-crimes-like-burglary-vehicle-theft

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 50થી વધુ ગુનામાં સંડોવાયેલા રીઢા ચોર અમિત ઉર્ફે શ્યામ દરજીને ઝડપી પાડ્યો છે અને વડોદરામાં ઘરફોડ ચોરી અને આણંદમાં વાહન ચોરીનો ગુનો ડિટેક્ટ કર્યો છે. બીજી તરફ વડોદરામાં લોન કરી આપવાની લાલચ આપીને અલગ-અલગ કરંટ એકાઉન્ટ ખોલી છેતરપિંડી આચરનાર આરોપીને વડોદરા સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે.


વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ડભોઇ રોડ જૂના જકાતનાકા પાસેથી અમિત ઉર્ફે શ્યામ નવિનભાઇ દરજી (ઉ.46) (હાલ રહે. ફતેપુરા વડોદરા, મૂળ રહે. આણંદ)ને બાઇક સાથે ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જો કે, તેની પાસેથી દાગીના તેમજ મોબાઇલનું બિલ અને બાઇકના પેપર મળ્યા નહોતા. જેથી પોલીસે તેની સઘન પૂછપરછ શરૂ કરી હતી.


પોલીસ પૂછપરછમાં આરોપીએ બાઇક આણંદથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી અને 4 એપ્રિલના રોજ વારસીયાના એપાર્ટમેન્ટમાં આવેલા બંધ મકાનનું તાળું તોડીને સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી હોવાનું સ્વીકાર્યું હતું. આમ વડોદરાના વારસીયા પોલીસ સ્ટેશન અને આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના બે ગુના ડિટેક્ટ થયા હતા. જેથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપી અમિત ઉર્ફે શ્યામ દરજીની ધરપકડ કરીને મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આરોપી અમિત ઉર્ફે શ્યામ દરજી છેલ્લા 22 વર્ષથી ઘરફોડ અને વાહન ચોરીના ગુનાઓ આચરતો હતો. તેની સામે વડોદરા, અમદાવાદ, સુરત અને આણંદ ખાતે જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં 50થી વધુ ઘરફોડ, વાહન ચોરી અને પોલીસ જાપ્તામાંથી નાસી જવાના ગુનાઓ નોંધાયેલા છે. આરોપી અમિત ઉર્ફે શ્યામ ભરૂચ ખાતે પોલીસની કસ્ટડીમાંથી ભાગી જવાના ગુનામાં 10 વર્ષની તથા ચકલાસી ખાતે પેટ્રોલપંપના લૂંટના કેસમાં 7 વર્ષની સજા તેમજ વરણામા પોલીસ કસ્ટડીમાંથી ભાગી જવાના ગુનામાં, આણંદ ઘરફોડ ચોરી અને કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર ચોરીના ગુનામાં 2-2 વર્ષની સજા થઈ હતી.

Share :

Leave a Comments