NEETની પરીક્ષાના પેપર લીક મામલે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન, શિક્ષણમંત્રીનું રાજીનામું માગ્યું

શહેર કોંગ્રેસ સમિતિ અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ ‘હાય રે ભાજપ હાય હાય’ના નારા લગાવ્યા

MailVadodara.com - Vadodara-city-Congress-demands-resignation-of-education-minister-over-NEET-exam-paper-leak

- યુથ કોંગ્રેસના કાર્યકરોએ નકલી નોટો ઉડાડીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો

- પોલીસે અમુકના કાંઠલા પકડયા હતા તો કેટલાકની ટીંગાટોળી કરી, 12 જેટલા કાર્યકરોની અટકાયત કરી

દેશમાં નીટની પરીક્ષામાં થયેલા કૌભાંડને લઈને રાજ્યભરમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે, ત્યારે વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા ડેરી ડેન સર્કલ ખાતે ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે યુથ કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર સામે ભારે સૂત્રોચ્ચારો કર્યા હતા અને નકલી નોટો ઉડાડીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને રસ્તા રોકો આંદોલનના ભાગરૂપ રોડ પર ચક્કાજામ કરતા ટ્રાફિકજામ થઈ ગયો હતો. જેને પગલે સયાજીગંજ પોલીસે 12 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. જેમાં પોલીસે અમુકના કાંઠલા પકડયા હતા તો કેટલાકની ટીંગાટોળી કરી હતી.


રાજ્યમાં નીટની પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને પેપર લીક મામલે વડોદરા યુથ કોંગ્રેસ અને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સયાજીગંજ ખાતે આવેલ ડેરી ડેન સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં યુથ કોંગ્રેસના કાર્યકરોની સાથે સાથે વડોદરા શહેર કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યા હતા અને ‘હાય રે ભાજપ હાય હાય’ના નારા લગાવી હતી તેમજ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી હતી. નિટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર 26 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકાર બની ગયું હોવાનું જણાવી ખોટી ચલની રૂપિયાની નોટ ઉડાવી વિરોધ નોંધાવ્યો હતો. આ સમયે ચક્કાજામ કરી રહેલા યુથ કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાયેલી નીટની પરીક્ષામાં જે છબરડા થયા છે. આ ઉપરાંત અન્ય પરીક્ષાઓમાં પણ છબરડા થયા છે. જેથી સાબિત થઈ ગયું છે કે, આ એજન્સી ફેલ છે. આ સરકાર પોતાની જવાબદારી સ્વિકારવા તૈયાર નથી અને દેશના શિક્ષણમંત્રીએ ગઈકાલે શપથ લીધા, તેઓ વિદ્યાર્થીઓ માટે એક શબ્દ બોલવા તૈયાર નથી. દેશના વડાપ્રધાન પણ એક શબ્દ બોલવા તૈયાર નથી. આજે લાખો વિદ્યાર્થીઓના ભાવિ જોખમમાં છે, જેથી આજે યુથ કોંગ્રેસે ધરણા યોજ્યા છે.


તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમે માગ કરીએ છીએ કે, આ વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ. ભાજપની સરકારના પાપના કારણે આ ઘટના બની છે. આવી એજન્સીઓને રદ્દ કરવી જોઇએ. ગુજરાતમાં પણ અનેક પેપર લીક થયા છે, જો કે, ગુજરાત સરકારે પણ કોઇ પગલા લીધા નથી અને કેન્દ્ર સરકારે પણ કોઈ પગલા લીધા નથી. અમારી માંગણી છે કે, દેશના શિક્ષણમંત્રીએ રાજીનામુ આપવુ જોઇએ કારણ કે, ભાજપ આ કૌભાંડ માટે જવાબદાર છે.


કોંગ્રેસના નેતા હરી ઓડે જણાવ્યું હતું કે, વર્ષોથી NTA દ્વારા યોજવામાં આવતી NEETની પરીક્ષા થકી સ્ટુડન્ટ્સ ખૂબ મહેનત કરીને મેડિકલમાં એડમિશન મેળવતા હોય છે. પરંતુ જ્યારથી ભાજપની સરકાર દેશની અંદર આવી છે, ત્યારથી દરેક પેપર લીક થઈ રહ્યા છે. વિદ્યુત સહાયક, પોલીસ સહિતની બધી ભરતીઓમાં પેપર લીક થાય છે. ઇતિહાસમાં અત્યારસુધી કોઈ વાર નીટનું પેપર લીક થયું નહોતું, ભાજપની ભ્રષ્ટાચારી સરકારમાં નીટનું પેપર લીક થયું છે અને 24 લાખ વિદ્યાર્થીનું ભાવિ જોખમમાં મૂકાઇ ગયું છે.


તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ પરીક્ષા રદ થવી જોઈએ અને ફરી પરીક્ષા લેવી જોઈએ, તેવી અમારી માગ છે. વડોદરામાં રહેતા અને ગોધરાની જય જલારામ સ્કૂલના શિક્ષક દ્વારા 10-10 લાખમાં પેપરનો સોદો કરવામાં આવ્યો, આ ઉપરાત પરશુરામ રોય હોય, સીધી કે આડકતરી રીતે આ બધા ભાજપ સાથે જોડાયેલા છે.

Share :

Leave a Comments