- રાજીનામું આપનાર સુનિલ સોલંકીએ જણાવ્યું હતું કે, મેં મારી મરજીથી રાજીનામું આપ્યું છે, મેં કોઈના દબાણથી રાજીનામું આપ્યું નથી
- શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે જણાવ્યું કે, મહામંત્રી પદેથી સુનિલ સોલંકીએ રાજીનામું આપ્યું છે અને શહેર ભાજપ દ્વારા સ્વિકારી લેવાયું છે
ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીએ રાજીનામું આપી દેતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. હાલ વડોદરા ભાજપમાં રાજીમાનાને લઈને ચર્ચાનો વિષય બન્યો છે. રાજીનામું આપ્યું કે પાર્ટી દ્વારા લઈ લેવામાં આવ્યું તે રહસ્ય છે. જો કે, તેઓના રાજકારણ પાછળ તાજેતરમાં મેયર પત્રિકાકાંડ હોવાનું મનાય રહ્યું છે.
ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યાની જાહેરાત થયા બાદ રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી ગયો છે. દરમિયાન વડોદરા શહેર ભાજપના મહામંત્રી સુનિલ સોલંકીએ પણ ત્રણ દિવસ અગાઉ પ્રદેશ પ્રમુખ અને સંગઠન મંત્રીને અંગત કારણોસર રાજીનામું આપી દીધાની આજે સત્તાવાર જાહેરાત શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે કરી છે. આથી ભાજપના કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.
વડોદરાના પૂર્વ મેયર અને હાલના શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીએ ત્રણ દિવસ અગાઉ પ્રદેશ ભાજપ પ્રમુખ અને સંગઠન મંત્રીને રાજીનામું આપી દીધું હોવાનું કહેવાય છે. તાજેતરમાં મેયર વિરુદ્ધ નનામી પત્રિકા બહાર પાડનાર ભાજપના જ કોર્પોરેટર અલ્પેશ લિમ્બચિયા અને તેના સંબંધી ત્રણ વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ થતાં ધરપકડ પણ થઈ હતી. જે પત્રિકાકાંડને લઇ રાજીનામું આપ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
શહેર ભાજપ મહામંત્રી પદેથી રાજીનામું આપનાર સુનિલ સોલંકીએ જણાવ્યું હતું કે, મારી મરજીથી રાજીનામું આપ્યું છે. મેં કોઈના દબાણથી રાજીનામું આપ્યું નથી. પક્ષ બીજી જવાબદારી સોંપશે તો તે સ્વિકારવા તૈયાર છું. પરંતુ, તે પક્ષે નિર્ણય લેવાનો છે.
શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે જણાવ્યું હતું કે, મહામંત્રી પદેથી સુનિલ સોલંકી દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે અને શહેર ભાજપ દ્વારા રાજીનામું સ્વિકારી લેવામાં આવ્યું છે. તેઓને મહામંત્રીની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ તેઓ મેયર તરીકેની પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. ઉપરાંત અન્ય હોદ્દાઓ ઉપર પણ તેઓએ જવાબદારી નિભાવી છે.
નોંધનીય છે કે, પત્રિકાકાંડ બાદ ભાજપની છબી ખરડાઈ છે. સાથે સાથે મહામંત્રી વિરૂદ્ધ વડોદરાના એક ધારાસભ્ય દ્વારા અવારનવાર પ્રદેશ પ્રમુખને ફરિયાદો કરવામાં આવતી હતી. બીજીબાજુ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, શહેર ભાજપ મહામંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ તેઓને પ્રદેશ કક્ષાએ મહત્વની જવાબદારી સોંપવામાં આવે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આવનારા દિવસોમાં ભાજપ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.