- જીલ્લા LCB પોલીસે બે લાખની કિંમતનો શરાબનો જથ્થો, 5 લાખની કાર અને બે મોબાઈલ ફોન મળીને 7 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો
વડોદરા જીલ્લાના વરણામા પોલીસ મથક વિસ્તારના બુટલેગરે મધ્યપ્રદેશથી મંગાવેલો વિદેશી શરાબનો જથ્થો જીલ્લા LCB પોલીસે પલાસવાડા ફાટક પાસે ઝડપી પાડ્યો હતો. જ્યાં બે આરોપીની ધરપકડ કરીને શંકરપુરાના બુટલેગરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
વડોદરા જીલ્લા LCB પોલીસનો સ્ટાફ ડભોઇ પોલીસ મથક વિસ્તારમાં વાહનચેકિંગ કરી રહ્યો હતો તે સમયે તેઓને બાતમી મળી હતી કે, એક અર્ટીગા કાર બોડેલી તરફથી શરાબનો જથ્થો ભરીને વડોદરા તરફ આવી રહી છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. પલાસવાડા રેલ્વે ફાટક પાસે LCBની ટીમ વોચમાં બેઠી હતી તે દરમિયાન GJ24 પાર્સીંગની અર્ટીગા કાર આવી પહોંચતા તેને રોકી હતી. જ્યાં કારમાં બેસેલા બંને યુવકને ઉતારીને પૂછપરછ કરી હતી. કારમાં એક સગીર વયનો કિશોર પણ બેઠો હતો.
પોલીસે કારચાલકના નામ ઠામ પૂછતા વિપુલભાઇ રંગલાભાઇ તોમર (રહે. ચોહજી ગામ પટેલ ફળીયું, તા.કઠીવાડા, જી. અલીરાજપુર, મધ્યપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. LCB પોલીસે કારમાં પાછળના ભાગે તપાસ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની રૂપિયા 2 લાખથી વધુ કિંમતની છુટ્ટી બોટલો તથા પેટીઓની કુલ 1500 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે આ વિદેશી શરાબનો જથ્થો ક્યાંથી લાવેલ અને કોને આપવાનો છે તે અંગે ચાલકની પૂછપરછ કરતાં વિદેશી દારૂનો જથ્થો અલીરાજપુરના કઠીવાડા તાલુકાના જીંજના ખાતે રહેતા સુનીલ નામના ઇસમે ભરી આપ્યો હતો. અને આ વિદેશી દારૂનો જથ્થો વડોદરા નજીક આવેલા શંકરપુરા ગામના બુટલેગર વિશાલ મહેશભાઇ ગોહિલે મંગાવ્યો હોવાની કબુલાત કરી હતી.
જીલ્લા LCB પોલીસે રૂપિયા 2,05,620નો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો, અર્ટીગા ગાડીની કિંમત રૂપિયા 5 લાખ તથા મોબાઇલ નંગ-૨ જેની કિંમત રૂપિયા 10 હજાર મળી કુલ 7,15,620 રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો છે. જયારે શંકરપુરા ગામના બુટલેગર વિશાલ ગોહિલને વોન્ટેડ જાહેર કર્યો છે.