- ઉપપ્રમુખના પદ માટે પાંચ ઉમેદવારો મેદાનમાં, મેનેજિંગ કમિટી માટે દસ બેઠક અને મહિલા એડવોકેટ્સ માટેની બે બેઠક માટે પણ ચૂંટણી યોજાશે
બરોડા બાર એસોસિએશનની આગામી 22મી ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં પ્રમુખ પદ સહિત વિવિધ હોદ્દાઓ મેળવવા માટે 42 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. વકીલ ઉમેદવારો દ્વારા કોર્ટની બહારનો મુખ્ય માર્ગ પર હોર્ડીંગ્સો લગાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલાક ઉમેદવારોએ શહેરના ચારે ખૂણામાં હોર્ડીંગ્સ લગાવી દેવામાં આવ્યા છે. ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર જોરશોરથી શરૂ કરી દીધો છે.
આગામી વર્ષ માટે વડોદરા વકીલ મંડળની ચૂંટણી તા.22મીએ યોજાશે ત્યારે પ્રમુખપદ માટે બે ઉમેદવાર વચ્ચે રસાકસી ભર્યો જંગ જામ્યો છે. જણાવી દઈએ કે વડોદરા વકીલ મંડળની યોજાનારી ચૂંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિત વિવિધ હોદ્દાઓ માટે કુલ 42 ઉમેદવારોનું ભાવી 3039 સિનિયર-જુનિયર વકીલો નક્કી કરશે. સવારે 10થી સાંજે પાંચ વાગ્યા સુધી થનારા મતદાન બાદ મુખ્ય હોદ્દાઓની મત ગણતરીનું પરિણામ સાંજ સુધીમાં આવવાની શક્યતા નકારી શકાતી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા વકીલ મંડળના નવા વર્ષના પ્રમુખ તરીકે હાલના પ્રમુખ એડવોકેટ નલિન પટેલ અને ગત વર્ષે નજીવા વોટથી પરાજિત થયેલા પૂર્વ પ્રમુખ હસમુખ ભટ્ટ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. જ્યારે ઉપપ્રમુખ તરીકે પાંચ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં એડવોકેટ્સ નેહલ સુતરીયા, ભાસ્કર નિલક, રાહુલ ભટ્ટ, દિલીપ પટેલ અને ધર્મેશ પટેલ મેદાનમાં છે. જ્યારે જનરલ સેક્રેટરીના પદ માટે વકીલ મયંક પંડ્યા અને અનિલ રાણા મેદાનમાં છે.
આ ઉપરાંત જોઈન્ટ જનરલ સેક્રેટરી, ટ્રેઝરર લાઇબ્રેરી સેક્રેટરી સહિતના હોદ્દા માટે એક-એક ઉમેદવાર માટે ચૂંટણી યોજાશે. આવી જ રીતે મેનેજિંગ કમિટી માટે દસ બેઠક અને મહિલા એડવોકેટ્સ માટેની બે બેઠક માટે ચૂંટણી યોજાશે.
પ્રમુખ અને ઉપપ્રમુખ પદની મતગણતરી ચૂંટણી પૂરી થતાં મોડી સાંજ સુધીમાં પરિણામ આવવાની શક્યતા છે. જોકે ઉમેદવારી ફોર્મની ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાની મુદત પૂરી થઈ જતા હવે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું હોવાનું ચૂંટણી અધિકારી એડવોકેટ બીનીવાલેએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે હાલ ચૂંટણી પ્રચારમાં તમામ ઉમેદવારો અને તેમના ટેકેદાર સિનિયર જુનિયર વકીલો પ્રચારમાં વ્યસ્ત હોવાથી તેની સીધી અસર કોર્ટ કાર્યવાહી પર પણ પડવાની શક્યતા નકારી શકાતી નથી.