વડોદરા ટ્રાફિક શાખા દ્વારા બિનવારસી 38 વાહનોની હરાજી, 1.95 લાખની આવક થઇ

વાહનો છેલ્લાં 6 વર્ષથી ટ્રાફિક શાખાના ટોઇંગ સ્ટેશન પર ધૂળ ખાતા હતા

MailVadodara.com - Vadodara-Traffic-Branch-auctions-38-unclaimed-vehicles-generates-revenue-of-Rs-1-95-lakh

- હરાજીમાં 80 જેટલા વેપારીઓએ ભાગ લીધો હતો

- 38 વાહનોની અપસેટ વેલ્યુ 1.71 લાખ નક્કી કરાઇ હતી જેની સામે 1.95 લાખમાં વાહનોની હરાજી કરાઇ


વડોદરા શહેર પોલીસની ટ્રાફિક શાખા દ્વારા બિનવારસી 38 વાહનોની આજરોજ હરાજી કરવામાં આવી હતી. આ હરાજીમાં 80 જેટલા વેપારીએ ભાગ લીધો હતો. આ વાહનોના મૂળ માલિકને જાણ કરવા છતાંય તેમના દ્વારા કોઇ દાવો નહીં કરવામાં આવતા તે ટ્રાફિક શાખાના ટોઇંગ સ્ટેશનમાં ધૂળ ખાઇ રહ્યા હતા. આખરે આજે તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ હરાજીમાં પોલીસ દ્વારા નક્કી કરવામાં આવેલ અપસેટ વેલ્યુ કરતા વધુ રકમ મળી હોવાનું ડીસીપીએ જણાવ્યું છે.


વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આડેધડ પાર્ક કરેલા વાહનો અથવા તો બિનવારસી વાહનોને ટોઇંગ કરીને પશ્ચિમ શાખા ખાતે લાવવામાં આવ્યા હતા. જે પૈકી કેટલાક વાહનો તેના મૂળ માલિક છોડાવી ગયા હતા. તે પૈકીના 38 વાહનો અંગે કોઇએ દાવો કર્યો ન હતો. આવા વાહનો વિતેલા 6 વર્ષથી ટ્રાફિક શાખાના ટોઇંગ સ્ટેશન પર ધૂળ ખાતા હતા. જેનો નિકાલ કરવા માટે આજે હરાજી કરવામાં આવી હતી. જે અંગે ટ્રાફિક ડીસીપી જ્યોતિબેન પટેલે માહિતી આપી હતી.

ટ્રાફિક DCP જ્યોતિબેન પટેલે જણાવ્યું કે, જુદા જુદા સમયે ટ્રાફીક શાખા દ્વારા વાહનો ડિટેઇન કરવામાં આવે છે અથવા તો જે વાહનો બિનવારસી મળી આવે છે, તેને પશ્ચિમ શાખાના ટોઇંગ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. જાહેર જનતાના વાહન હોય તો અમે તેમને તે અંગે જાણ કરી હતી, નોટિસો આપી હતી. પ્રચાર માધ્યમોમાં પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ઘણાખરા વાહનચાલકો પોતાનું વાહન લઇને જતા રહ્યા હતા, પરંતુ 38 વાહન એવા હતા જે અંગે કોઇએ દાવો કર્યો ન હતો. તેવા 38 બિનવારસી વાહનોની આજે પશ્ચિમ શાખાના ટોઇંગ સ્ટેશન ખાતે હરાજી રાખવામાં આવી હતી. જેમાં 80 જેટલા વેપારીઓએ ભાગ લીધો હતો. આ હરાજીમાં મુકવામાં આવેલા 38 વાહનોની અપસેટ વેલ્યુ રૂપિયા 1.71 લાખ નક્કી કરવામાં આવી હતી. જેની સામે હરાજીમાં રૂપિયા 1.95 લાખમાં વાહનોની હરાજીમાં નક્કી કરવામાં આવ્યા છે. આ વાહનો 6 વર્ષ જુના હોવાનો અંદાજ છે.


Share :

Leave a Comments