ભારતમાં ત્રીજા તબક્કામાં ૭ મી મે ના દિવસે મતદાન થવાનું છે, ત્યારે ૧૯ એપ્રિલ પછી તમામ રાજકીય પક્ષોના ઉચ્ચ સ્ટાર પ્રચારકોના પ્રયાસો ગુજરાતમાં વધુ થવાના છે. હાલ સમગ્ર રાજ્યમાં જોરશોરથી પ્રચાર શરૂ થઈ ગયો છે ત્યારે વડોદરા લોકસભા બેઠકના ડો. હેમાંગ જોષી ઉમેદવારની તરફેણમાં પ્રચાર કરવા આજે ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહ વડોદરા શહેરની મુલાકાતે આવવાના છે ત્યારે તંત્ર દ્વારા રસ્તા અને ડીવાઈડર રિપેર સહિતના કામો હાથ ધરવામાં આવ્યાં છે.
ગૃહમંત્રી અમિત શાહ જ્યારે વડોદરા શહેરની મુલાકાતે હોય ત્યારે તેમના માટે વિશિષ્ટ આયોજન કરવામાં આવે છે. પ્રતાપનગર રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા સુધી રોડ શો યોજાશે. સુરક્ષાથી લઈને કાર્યક્રમમાં ક્યાંય પણ કચાશ ન રહે તે માત્ર ફરજ નહિ, સાથે કોઈ ચૂક રહી જશે તો માફી નહિ મળે તેવો ડર પણ છે. શિસ્તના આગ્રહી ભાજપ પક્ષ સામે સરકારી વિભાગો, રાજકીય પક્ષ, કાર્યકરો વગેરે માટે સખત પરિશ્રમ કર્યે જ છૂટકો હોય છે. વડોદરા શહેરના પ્રતાપ નગર રોડથી, પાણીગેટ, માંડવી અને ન્યાયમંદિર સહિત ઝાડી ઝાંખરા દૂર કરવાથી લઈને ડીવાઈડર પર નવા રંગરોગાન, નવી બાઉન્ડ્રી, કલર કામ, અને રસ્તા પણ નવા બની રહ્યા છે. આ રસ્તાઓ પરના બધા જ સ્પીડ બ્રેકર કાઢી નખાયા છે