વડોદરા ગ્રામ્ય LCBએ લસણના છોડાની આડમાં લઇ જવાતા 4 લાખના દારૂ સાથે ડ્રાઇવરને ઝડપ્યો

ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમે બાતમીના આધારે ઘેલાપુરી ગામ પાસે વોચ ગોઠવી હતી

MailVadodara.com - Vadodara-Rural-LCB-nabs-driver-with-liquor-worth-Rs-4-lakh-under-cover-of-garlic-bushes

- પોલીસની પુછપરછમાં ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો હાલોલના મુન્ના પાસેથી ભરી ડાકોર ખાતે રહેતો જીતુને આપવા જતો હોવાની ડ્રાઇવરની કબૂલાત


વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે પોલીસને ગેરમાર્ગે દોરવા લસણના છોડા ભરેલા કોથળાની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ડાકોરમાં ઘુસાડવાનો દારૂ માફિયાઓનો પેતરો પોલીસે નિષ્ફળ બનાવી રૂપિયા 4 લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી એક ઈસમની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાચના પી.આઇ. કૃણાલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ડેસર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ગ્રામ્ય એલ.સી.બી. ટીમના આ.પો.કો. જયપાલસિંહ કરણસિંહને બાતમી મળી હતી કે, એક કેબીન વાળી ટાટા ઇન્ટ્રા ગાડીમાં લસણના છોડા ભરેલા કોથળાની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને હાલોલ ગામ તરફથી ડેસર તરફ આવનાર છે.

ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમ બાતમીના આધારે ઘેલાપુરી ગામના બસ સ્ટોપ પાસે છુટાછવાયા વોચ ગોઠવી ઉભા થઇ ગયા હતા. તે દરમિયાન બાતમી આધારિત કેબીન વાળી ગાડી આવતા તેને કોર્ડન કરી રોકી ગાડીના ચાલકની પુછપરછ કરતા તેને પોતાનું નામ સુખેશ ભાગીરથરામ કુરાડા, રાજસ્થાનનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. પોલીસ દ્ધારા ડ્રાઈવર સુખેશને ગાડીમાં ભરેલ માલ અંગે પુછતા તે ઠીકથી જવાબ આપી શક્યો ન હોઈ ડ્રાઈવરને સાથે રાખી ગાડીના પાછળના ભાગના કેબીન નો દરવાજો ખોલાવડાવી પોલીસે ગાડી માં તપાસ હાથ ધરી હતી.


ગાડી માં તપાસ કરતા પોલીસને લસણના છોડા ભરેલા કોથળાઓ મળી આવ્યા હતા. જેમાં કોથળામાં તપાસ કરતા લસણના છોડા ની આડમાં છુપાવેલો ભારતીય બનાવટની વિદેશી દારુ મળી આવતા તમામ કોથળા ગાડીમાંથી બહાર કાઢી તેમાં મુકેલ વિદેશી દારુના જથ્થાની ગણતરી કરતા જુદા-જુદા માર્કાના ભારતીય બનાવટના વિદેશી દારુની 4,06,800ની કિંમતની 1788 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થો, મોબાઈલ તથા ટાટા ઇન્ટ્રા ગાડી સહીત લસણના છોડા ભરેલ કોથળા મળી કુલ રૂ. 9,11,800 નો મુદ્દામાલ કબ્જે કરી સુખેશ ભાગીરથરામ કુરાડાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક પુછપરછ દરમિયાન ગાડી ચાલક સુખેશ ભાગીરથરામ કુરાડાએ જાણવાયું હતું કે, આ ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો હાલોલના મુન્ના નામના માણસ પાસેથી ભરી ડાકોર ખાતે જીતુ નામના માણસને આપવા જતા હોવાની કબૂલાત કરતા વિદેશી દારૂનો જથ્થો મોકલનાર મુન્નો તથા મંગાવનાર જીતુ નામ ના ઇસમ સહીત ઝડપી પાડવામાં આવેલ ગાડી ચાલક સુખેશ ભાગીરથરામ કુરાડા વિરુદ્ધ ડેસર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી ફરાર આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Share :

Leave a Comments