- જોઇન્ટ પોલીસ કમિશનર, તમામ ડીસીપી અને એસીપી કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા, તહેવારોના સમયે કેવી સાવચેતી રાખવી તે બાબતે સૂચનાઓ પણ અપાઇ
દિવાળીના તહેવારોને લઇને વડોદરા શહેર પોલીસે લઇને જ્વેલર્સ સંચાલકો સાથે સુરક્ષાને લઇને બેઠક યોજી હતી, જેમાં જોઇન્ટ પોલીસ કમિશનર મનોજ નિનામા, તમામ ડીસીપી અને એસીપી કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં તહેવારોના સમયે કેવી સાવચેતી રાખવી તે બાબતે સૂચનાઓ આપવામાં આવી હતી.
હાલ તહેવારોની શરૂઆત થઈ છે અને આવનાર દિવસોમાં દિવાળીના પર્વની ઉજવણી થનારી છે તેમજ પાડોશી રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે જવેલર્સઓને હાલાકીનો સામનો ના કરવો પડે તે હેતુસર જવેલર્સ વેપારીઓ સાથે પોલીસ વિભાગે બેઠક યોજી હતી.
વડોદરા શહેરના માંડવી ચાંપાનેર રોડ નજીક આવેલ કલ્યાણ રાયજી હવેલી ખાતે બેઠક યોજવામાં આવી હતી. બેઠકનો મુખ્ય હેતુ દિવાળીના પર્વ દરમ્યાન બજારમાં નીકળતી ગ્રાહકી અને ગ્રાહકી દરમ્યાન જવેલરી શોપમાં અને જવેલર્સ સાથે બનતી છેતરપીંડી અને લૂંટફાટની ઘટનાઓને રોકવાનો હતો. મળેલી બેઠકમાં જવેલર્સ વેપારીઓ દ્વારા કેટલીક રજુઆત કરવામાં આવી હતી તો પોલીસ વિભાગ દ્વારા કેટલીક સૂચનાઓ આપવામાં આવી હતી.
વડોદરા જોઇન્ટ પોલીસ કમિશનર મનોજ નિનામાએ જણાવ્યું હતું કે, આજે અમે તમામ જ્વેલર્સ અને આંગડિયા પૈકીના સંચાલકો સાથે બેઠક યોજી છે. જેમાં તમામ ડીસીપી અને એસીપી કક્ષાના અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. નવરાત્રિ પછી દિવાળીનો તહેવાર આવશે. આ દરમિયાન ખાસ કરીને ચાર દરવાજાની વચ્ચે જ્વેલર્સ અને આંગડિયા પેઢીઓ આવેલી છે, તેઓને તેમનો વહીવટ સલામતીથી ચાલે છે અને કોઇપણ વેપારી સાથે ચીલઝડપ અને છેતરપિંડી જેવા અનિચ્છનિય બનાવ ન બને તે માટે શું શું તકેદારીઓ રાખવી તેના માટે પોલીસ કમિશનરની સૂચનાથી બેઠક યોજી છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આજે વેપારીઓના શેસન લીધા અને સૂચનાઓ પણ આપી છે. તેઓએ પોતાના ધંધાની જગ્યાને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવી, જ્યાં દાગીના કે રકમ બેંકમાં લઇ જવી હોય, એસ્કોર્ટિંગની જરૂર હોય તો પોલીસનો સંપર્ક કરે. પોલીસ તેમને ચોક્કસ મદદ કરશે. જ્યારે મોટા પ્રમાણમાં દાગીના લઇ જવાના હોય ત્યારે જ જ્વેલર્સને પોલીસની જરૂર પડતી હોય છે. પોલીસ તેમની સાથે એસ્કોટ મોકલશે. પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા વિષે પણ દિવાળી સુધીમાં આયોજન કરવાનું નક્કી કર્યું છે. પ્રાઇવેટ સિક્યોરિટી રાખતા પહેલા તેનો ઇતિહાસ પણ જાણી હોવો જરૂરી છે. આ બાબતે પણ ખૂબ ચોક્કસાઇ રાખવી જરૂરી છે.
નકલી પોલીસ બનીને લૂંટ ચલાવતી ગેંગ અંગે તેઓએ જણાવ્યું હતું કે, આ ગુનાઓમાં ઇરાન ગેંગ સક્રિય છે અને મહિલાઓની છારા ગેંગ છે. જેનો અમદાવાદમાં પણ તેનો રેકોર્ડ છે અને આપણી પાસે પણ રેકોર્ડ છે. આ મામલે ક્રાઇમ બ્રાંચની નજર છે અને તેમને ચેક કરવાની કામગીરી પણ ચાલી રહી છે.