વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફીસરોની ટીમ દ્વારા પેકેજડ ડ્રીન્કીંગ વોટર, આઈસ્ક્રીમ, ઠંડા પીણા, કેરીના રસ વિગેરેના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં FSSAIના નિયમનું પાલન થાય છે કે કેમ સાથે ખાદ્ય પદાર્થોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એક અઠવાડિયા અગાઉ બરફના ગોલામાં નાખવામાં આવતા કલરની સીરપના 11 નમૂના લેવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ દિવસમાં ચેકિંગની કામગીરી દરમિયાન શંકાસ્પદ 17 નમૂના પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે.
ઉનાળાની ઋતુ ચાલી રહી છે, ત્યારે શહેરીજનો ઠંડક આપતી ખાદ્ય ચીજવસ્તુઓનો વધારે ઉપયોગ કરતા હોય છે, ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ વિક્રેતાઓને ત્યાં સઘન ચેકીંગની કામગીરી હાથ ધરી પેકેજડ ડ્રીન્કીંગ વોટર, આઈસ્ક્રીમ, ઠંડા પીણા, કેરીના રસ વગેરેના નમૂના લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી, ફતેગંજ ખાતે પૃથક્કરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. જે બાદ રિપોર્ટ આધારે કાર્યવાહી કરવામાં આવશે.
ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અને રૂલ્સ અને રેગ્યુલેશન-2011 અન્વયે સઘન ચેકિંગની કામગીરી તેમજ નમૂના લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાથે શિડયુલ-4 મુજબ સ્વચ્છતા જાળવવા કડક સૂચના આપવામાં આવી છે. મહત્વની બાબતે છે કે કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ સઘન ચેકિંગની કામગીરી તો કરે છે, પરંતુ નમૂના લીધા બાદ તેના પરિણામ લેટ આવતા હોવાથી લોકો ખોરાક આરોગી જાય પછી તેની સામે કાર્યવાહી કરવાનો મતલબ શું. ત્યારે આ બાબતે કોર્પોરેશન જો સ્થળ પર જ નમૂના લઈ કાર્યવાહી થાય તો ચોક્કસ લોકોના આરોગ્ય સાથે થતા ચેડાંથી બચાવી શકાય છે.