- સામાન્ય બીમારીમાં સ્થળ પર દવા અપાય છે, અત્યાર સુધીમાં 1,270 નિરાધાર લોકોનું આરોગ્ય ચકાસવામાં આવ્યું, હવે પછી સફાઈ સેવકોનું હેલ્થ ચેકઅપ થશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં રસ્તા પર જોવા મળતા ભિક્ષુકો, રેગ પીકર, ફૂટપાથ પર રહેતા નિરાધાર લોકો વગેરેના આરોગ્યની તપાસણી શરૂ કરવામાં આવી છે અત્યાર સુધીમાં આશરે 1,270 ભિક્ષુકો વગેરેનું આરોગ્ય ચકાસવામાં આવી ચૂક્યું છે. શહેરમાં એક અંદાજ મુજબ આ આંકડો આશરે 3,500 છે. હજી થોડા દિવસ આ કામગીરી ચાલુ રહેશે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના તમામ 40 પ્રાઇમરી હેલ્થ સેન્ટરના સ્ટાફમાંથી ટીમ બનાવીને સવાર-સાંજ આ કામગીરી કરવામાં આવી રહી છે. જુદા જુદા વિસ્તારોમાં જઈને રોડ પર જોવા મળતા ભિક્ષુકો, રેગ પીકર તેમજ ફૂટપાથ પર રહેતા નિરાધાર લોકોનું પ્રાઇમરી હેલ્થ ચેકઅપ ઓન ધ સ્પોટ કરવામાં આવે છે. તાવ, શરદી, ઉધરસ જેવી બીમારી જણાઈ આવે તો સ્થળ પર જ દવા આપવામાં આવે છે, જ્યારે ટીબી, કિડની, હાર્ટ જેવી કોઈ ગંભીર બીમારી જણાઈ તો તેને સરકારી સારવાર માટે રિફર કરવામાં આવે છે. સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેનના કહેવા મુજબ હવે કોર્પોરેશનના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર શરૂ થયા છે અને ત્યાં તેઓની સારવાર માટે અલાયદી વ્યવસ્થા કરાશે.
સરકારની સૂચનાના આધારે શહેરમાં આ પ્રકારે પ્રથમ વખત ભિક્ષુકો અને રેગ પીકરનું આરોગ્ય તપાસવામાં આવી રહ્યું છે હજી થોડા દિવસ આ કામગીરી ચાલુ રાખીને તમામનું ચેક અપ કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ કોર્પોરેશનના સફાઈ સેવકોનું પણ પ્રાઇમરી હેલ્થ ચેકઅપ કરવામાં આવશે. જેમાંથી કોઈને જરૂર જણાય તો વધુ સારવાર માટે રિફર કરવામાં આવશે. કોર્પોરેશનના આશરે 4000 સફાઈ કર્મીઓ છે.