- અમર કાર શો-રૂમ દ્વારા સિક્યુરીટી કેબિન તેમજ ઓટલા, કમ્પાઉન્ડ વોલ સહિતના તમામ દબાણો દૂર કરાતાં લોકોમાં ગભરાટ ફેલાયો
વડોદરા મહાનગર સેવા સદન દ્વારા રસ્તામાં આવતા દબાણો દૂર કરવાની શરૂ કરેલી ઝુંબેશના ભાગરૂપે આજે ગોરવા-પંચવટી રોડ ઉપરના ગેરકાયદેસર થઇ ગયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્યત્વે એક કાર શો-રૂમ દ્વારા બનાવવામાં આવલી સિક્યુરીટી કેબિન સહિતના દબાણો કરી દેવામાં આવ્યા હતા. આ સાથે જ રસ્તા પરના અનેક દબાણો પણ દૂર કરી દેવામાં આવ્યા હતા.
વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગોરવા વિસ્તારમાં આવેલા ગેંડા સર્કલથી ગોરવા બીઆઇડીસી સુધી હંગામી તેમજ કાયમી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં અમર કાર શો-રૂમ દ્વારા સિક્યુરીટી કેબિન તેમજ પાર્કિંગ માટે ઓટલા બનાવી દેવામાં આવ્યા હતા. તે તમામ દબાણો દૂર કરી દેવામાં આવતા દબાણકારોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.
શહેરના ગેંડા સર્કલથી ગોરવા જવાના માર્ગ પર ટ્રાફિક વધી જતા નડતરરૂપ હંગામી દબાણોના કારણે મુશ્કેલી વધી ગઈ છે. જેથી કોર્પોરેશનની દબાણ શાખાએ આજે રસ્તો ખુલ્લો કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ગોરવા બીઆઇડીસી સામે આવેલ અમર કાર મોટર્સની કમ્પાઉન્ડ વોલ તથા સિક્યુરિટી કેબિન દૂર કરવામાં આવી હતી. આ ઉપરાંત માર્ગ પર પાંચ જેટલી દુકાનો પણ તોડી પડાઈ હતી. અમર કાર મોટર્સ દ્વારા કરવામાં આવેલા દબાણના કારણે રસ્તો સાંકળો થઈ જતા પીકઅપ અવર્સમાં ટ્રાફિક જામ થઇ જતો હતો. પરિણામે સ્થાનિક લોકો દ્વારા દબાણો દૂર કરવા માટે અવાર-નવાર ફરિયાદો કરવામાં આવી હતી.
દરમિયાન આજે સ્થાયી સમિતીના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ટાઉન પ્લાનિંગ વિભાગે દબાણ શાખાની મદદ લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરી દેવામાં આવ્યા હતા. કારના શોરૂમના સંચાલકો દ્વારા ગેરકાયદેસરના દબાણો પણ દૂર કરવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.
આજે સવારે દબાણ શાખાની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પહોંચતા જ સ્થાનિક લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. દબાણ શાખા દ્વારા કાર શોરૂમના સંચાલકો દ્વારા ગેરકાયદેસર બનાવી દેવામાં આવેલી સિક્યુરીટી સહિતના દબાણો દૂર કરતા અન્ય દબાણકારોમાં પણ ગભરાટ ફેલાઇ ગયો હતો. વડોદરા મહાનગર સેવાસદન દ્વારા દબાણ દૂર કરવાની ઝુંબેશ અવિરત પણ ચાલુ રહેશે, તેમ સ્ટેડિંગ કમિટીના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું. હજુ પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસરના દબાણો છે. તે દબાણો પણ દૂર કરી દેવામાં આવશે.