- પૂજાપો એકત્રિત કરવા તળાવ બહાર સુવર્ણ કળશ મુકાશે
શહેરમાં ગણેશ ઉત્સવની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. શ્રીજી ની સવારીઓ વાજતે ગાજતે ગણેશ આયોજકો દ્વારા લાવવામાં આવી રહી છે, ત્યારે દર વર્ષની માફક શ્રીજીની મૂર્તિઓની વિસર્જન વિધિ કરવા માટે કોર્પોરેશન દ્વારા જે કૃત્રિમ તળાવ બનાવવામાં આવે છે તેમાં આ વખતે વધુ એક કૃત્રિમ તળાવ દક્ષિણ વિસ્તારમાં માંજલપુરમાં બનાવવા વિચાર હાથ ધરાયો છે.
કોર્પોરેશન દ્વારા નવલખી મેદાન પર સૌથી મોટું કૃત્રિમ તળાવ છે. જેનો વિસ્તાર આશરે 7000 સ્ક્વેર મીટરનો છે. મોટી મૂર્તિઓ અહીં પધરાવવામાં આવે છે. આ વખતે પણ આઠ-નવ ફૂટથી વધુ ઊંચી મૂર્તિઓનું સ્થાપન થાય તેવી શક્યતા છે. આ સિવાય ગયા વર્ષે સોમા તળાવ પાસે, હરણી તળાવ પાસે, હરણી સમા લિંક રોડ પર અને ગોરવા દશામાં તળાવ ખાતે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા હતા. માંજલપુર વિસ્તારમાંથી વધુ એક તળાવ બનાવવાની રજૂઆત થતા તે દિશામાં કોર્પોરેશને વિચારણા શરૂ કરી છે તેમ સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષનું કહેવું છે. જ્યારે હરણી-સમા લિંક રોડ પરનું તળાવ મોટું બનાવવાનું કામ હાથ ધરાયું છે, ત્યાં હવે 400થી વધુ મૂર્તિઓનું વિસર્જન થઈ શકશે. કોર્પોરેશન દ્વારા આ વખતે દશામાની મૂર્તિઓની વિસર્જન વિધિ વખતે તળાવમાં પૂજાપા સહિતની સામગ્રી લોકો પધરાવે નહીં તે માટે તળાવ બહાર સુવર્ણ કળશ મુકવામાં આવ્યા હતા. જેમાં ફૂલ સહિતનો પૂજાપો એકત્રિત કરીને સેન્દ્રીય ખાતર બનાવવામાં આવ્યું હતું. ગણેશ વિસર્જન દરમિયાન પણ ઉપર દર્શાવેલા તમામ તળાવ ખાતે સુવર્ણ કળશ મૂકીને પૂજાપો એકત્રિત કરી તેમાંથી સેન્દ્રીય ખાતર બનાવવામાં આવશે.