- ભારે વરસાદ થાય ત્યારે નેશનલ હાઇ-વે પરથી પાણીનો પ્રવાહ શહેરના પૂર્વ વિસ્તારમાં ધસી આવતા સોસાયટીઓ પાણીમાં ઘરક થાય છે
વડોદરા કોર્પોરેશન દ્વારા નેશનલ હાઈ-વે ઉપરના કાંસ પહોળા કરવાની અને કાંસ ઉપરના દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. નોંધનીય છે કે, આ કામગીરી પ્રિ-મોનસુનની કામગીરી દરમિયાન કરવાની હોય છે પરંતુ, પાલિકા દ્વારા પૂર્વ વિસ્તારના લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયા બાદ કરવામાં આવી હતી. પાલિકાની “ઘોડા છૂટ ગયા બાદ તબેલાને તળા” મારવા જેવી આ કામગીરી ચર્ચાનો વિષય બની હતી.
વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આ વર્ષે પણ કોર્પોરેશન દ્વારા લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો. જેમાં હાઇ-વે ઉપરથી પાણી પૂર્વ વિસ્તારમાં ન આવે તે માટે કાંસની પણ સફાઈ કરવામાં આવી હતી પરંતુ, યોગ્ય સફાઈ અને કાંસ ઉપરના દબાણો દૂર ન કરવામાં આવતા આ વખતે પણ પૂર્વ વિસ્તાર ડૂબ્યો હતો અને લોકોને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વખત આવ્યો હતો.
વડોદરામાં ભારે વરસાદ થાય છે ત્યારે નેશનલ હાઇ-વે ઉપરથી પાણીનો પ્રવાહ પૂર્વ વિસ્તારમાં ધસી આવે છે અને તેના કારણે પૂર્વ વિસ્તારની સોસાયટીઓ પાણીમાં ઘરક થઈ જતી હોય છે. વડોદરા મહાનગર દ્વારા પૂર્વ વિસ્તારમાં હાઈ-વે ઉપરનું પાણી રોકવા માટે હાઇવે સમાંતર ગોલ્ડન ચોકડીથી આજવા ચોકડી સુધીનો કાંસ તૈયાર કરવામાં આવ્યો હતો. ઉપરાંત આજવા ચોકડીથી ધનિયાવી ગામ સુધીના કાંસની સફાઈ કરવામાં આવી હતી પરંતુ, આ કામગીરી યોગ્ય રીતે ન થવાના કારણે અને કાંસ ઉપર ભારે દબાણનો દૂર ન કરાતા જુલાઈ માસ અને ઓગસ્ટમાં થયેલા ભારે વરસાદના કારણે ડભોઈ રોડ પરની તમામ સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા.
વડોદરા શહેરમાં 24 જુલાઈ અને 25 ઓગસ્ટના રોજ પડેલા ભારે વરસાદને પગલે સમગ્ર શહેર પાણીમાં તરબતર થઈ ગયું હતું. ભારે વરસાદ અને વિશ્વામિત્ર નદીમાં આવેલા પૂરના કારણે લોકોને લાખો કરોડોનું નુકસાન થયું છે. જેના કારણે લોકોમાં પાલિકા અને કાઉન્સિલરોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
આગામી દિવસોમાં હાઇવે ઉપરનુ પાણી પૂર્વ વિસ્તારમાં ધસી ન આવે તે માટે પાલિકા દ્વારા ગોલ્ડન ચોકડીથી આજવા ચોકડી સુધીનો કાંસ પહોળો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કાંસમાં ભૂંગળાં મૂકી બનાવી દેવામાં આવેલા રસ્તાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શિતલ મિસ્ત્રીના નિરીક્ષણ હેઠળ કરવામાં આવી હતી.