વડોદરા પાલિકાએ હરણીમાં બનાવેલા સ્કલ્પચર પાર્કમાં લેવાતી એન્ટ્રી ફી રદ કરવા માગણી

તાજેતરમાં હરણી ખાતે રૂા.2.35 કરોડના ખર્ચે સ્કલ્પચર પાર્કનું લોકાર્પણ કરાયું

MailVadodara.com - Vadodara-Municipality-demanded-to-cancel-the-entry-fee-charged-in-the-sculpture-park-made-in-Harani

- બાગ-બગીચા બનાવવાએ કોર્પોરેશનની મૂળભૂત ફરજ છે, નાગરિકો વેરો ચુકવે છે તો એન્ટ્રી ફી લઈ શકાય નહીં : કોંગ્રેસ


વડોદરા કોર્પોરેશન દ્વારા હરણી ખાતે રૂ. 2.35 કરોડના ખર્ચે તૈયાર થયેલા સ્કલ્પચર પાર્કનું લોકાર્પણ તાજેતરમાં કરવામાં આવ્યું હતું. આ સ્કલ્પચર પાર્કમાં આવતા સહેલાણીઓ પાસેથી લેવાતી એન્ટ્રી ફી રદ કરવાની માગણી કરવામાં આવી છે. આ પાર્કમાં વિવિધ પ્રકારના 57 સ્કલ્પચરના પેડેસ્ટલ બનાવવામાં આવેલ છે. જેમાંથી 32 સ્કલ્પચર પેડેસ્ટલ પર મુકી ફિકસીંગ કરવામાં આવેલ છે. અને 27 સ્કલ્પચરના પેડેસ્ટલ ખાલી છે. 27 ખાલી પેડેસ્ટલ પર સ્કલ્પચર મુકવા માટે એમ. એસ. યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટી દ્વારા નવા સ્કલ્પચર બનાવી મુકવામાં આવશે, અલગ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ પાર્ક 30,000 સ્કવેર મીટરમાં છે. જેમાં ચાલવા માટે 930 મીટર લાંબો ગાર્ડન જોગિંગ ટ્રેક તથા 1300 મીટર લાંબો તળાવનો જોગિંગ ટ્રેક બનાવવામાં આવેલ છે.


વિરોધપક્ષ કોંગ્રેસનું કહેવું છે કે, કોર્પોરેશન દ્વારા હરણી તળાવની બાજુમાં ખુલ્લી જગ્યામાં સ્ક્લ્પચર પાર્કનું આયોજન કરવામાં આવ્યુ છે. આ પાર્કમાં હરણી રોડ, સમા તળાવ વિસ્તારના નાગરિકો સવારે અને સાંજે ચાલવા માટે આવતા હોય છે ત્યારે કોર્પોરેશન ઘ્વારા આ પાર્કમાં એન્ટ્રી ફીના નામે રૂ.10 ઉઘરાવાની જાહેરાત કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવતા બાગ-બગીચા શહેરના નાગરીકોના આનંદ-પ્રમોદ માટે હોય છે અને કોઇપણ ટી.પી. સ્કીમ બનાવતી વખતે 5% જમીન ગ્રીન સ્પેસ તથા 5% જગ્યા નાગરીકોના વપરાશ માટે અનામત રાખવાની ફરજીયાત હોય છે અને જેનો વેરો પણ નાગરીકો ભરે છે. એન્ટ્રી ફી ના વિરોધમાં આ પાર્કમાં આવતા મોર્નીંગ અને ઇવનીંગ વોકર્સ ગ્રુપ તથા વિસ્તારના નાગરીકો દ્વારા કોર્પોરેશનમાં રજૂઆતો કરવામાં આવી છે અને એન્ટ્રી ફી રદ કરવા માગણી કરી છે. 

ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર સમક્ષ એવી પણ રજુઆત કરી છે કે બાગ-બગીચાએ વડોદરાની એક આગવી ઓળખ છે. પ્રત્યેક ટી.પી. સ્કીમમાં બાગ/બગીચા અને બાળકોને રમવાની જગ્યા આપવી અને તેની નિભાવણી કરવી એ કોર્પોરેશનની મુળભુત ફરજમાં છે. નાગરીકો વેરો અને ડેવલપમેન્ટ ચાર્જ ભરે છે તેમજ જમીન કપાત પણ આપે છે ત્યારે આ પાર્કમાં કે અન્ય કોઇપણ બાગમાં પ્રવેશ ફી રાખવામાં ન આવે.

Share :

Leave a Comments