- સમગ્ર શહેરમાં વેચાતા રસનું ઘનિષ્ઠ ચેકિંગ કરવા વિપક્ષની માંગણી
ઉનાળાની સીઝન શરૂ થતા જ વડોદરા શહેરમાં ઠેર-ઠેર કેરીના તૈયાર રસનું વેચાણ વધી જાય છે. આ ઉપરાંત શેરડીના રસના તંબુ પણ ધમધમતા થઈ જાય છે. આઈસ્ક્રીમનું વેચાણ વધી જાય છે. કેરીનો રસ, શેરડીનો રસ તથા આઈસ્ક્રીમની ક્વોલિટી સંદર્ભે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય શાખા દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અને લેબોરેટરીમાં તપાસ માટે નમૂના લેવામાં આવી રહ્યા છે. ખાસ તો કેરીના રસમાં કૃત્રિમ રંગ અને અને ચાસણીનો ઉપયોગ થતો હોવાથી તેની પણ ચકાસવામાં આવે છે. રસને મીઠો બનાવવા માટે ચાસણી નાખવામાં આવે છે અને રસ કેસરી દેખાય તે માટે રંગ ભેળવવામાં આવે છે. શેરડીના રસમાં ઠંડક માટે વપરાતો બરફ હાઇજેનિક છે કે કેમ તેમ જ ધંધાકીય સ્થળે સ્વચ્છતા કેવી જાળવવામાં આવે છે તેનું પણ ચેકિંગ થઈ રહ્યું છે. વિવિધ વિસ્તારોમાંથી રોજ કેરીના રસના નમુના લેવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, હજી થોડા દિવસ પહેલા ફૂડ સેફટી ઓફિસરો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે 145 કિલો કેરીનો રસ, 25 કિલો ચાસણી અને પાંચ લીટર રંગનો જથ્થો નાશ કર્યો હતો. ધંધાકીય સ્થળે સ્વચ્છતા નહીં જાળવતા ધંધાર્થીઓને નોટિસો ફટકારવામાં આવે છે. દરમિયાન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી સમગ્ર સભામાં પણ કોંગ્રેસના કોર્પોરેટરોએ શહેરમાં સેકરીન યુક્ત વેચાતા કેરીના તૈયાર રસનું સઘન ચેકિંગ કરવા માંગણી પણ કરી છે અને વધુમાં ઉમેર્યું હતું કે, માત્ર અમુક સ્થળે જ નહીં સમગ્ર શહેરમાં કેરીના રસનું ચેકિંગ ઘનિષ્ઠ હાથ ધરવું જોઈએ.