- 28 ગોપાલકો સામે પોલીસ ફરિયાદ કરાઇ, જ્યારે ઢોરવાડાઓમાં જઈને જે ઢોરના હજુ ટેગિંગ બાકી હોય તેની કામગીરી કરતા 293 ઢોરને ટેગિંગ કરવામાં આવ્યા
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રખડતા ઢોર પકડવા માટે રાઉન્ડ ધ ક્લોક કામગીરી શરૂ કરવામાં આવી છે, અને આ માટે 18 ટીમ પણ બનાવી છે. ફેબ્રુઆરી મહિનામાં કોર્પોરેશન દ્વારા શહેરમાંથી 371 ઢોર પકડ્યા હતા. જેમાંથી 74 ઢોરને પાંજરાપોળ અને ગૌશાળામાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. ગોપાલકો 51 ઢોર મુક્ત કરાવી ગયા હતા, જે બદલ તેઓ પાસેથી 3.46 લાખ દંડની વસૂલાત કરવામાં આવી હતી. 28 ગોપાલકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે, જ્યારે ઢોરવાડાઓમાં જઈને જે ઢોરના હજુ ટેગિંગ બાકી હોય તેની કામગીરી કરતા 293 ઢોરને ટેગિંગ કરવામાં આવ્યા હતા.
આ મહિનામાં છ ગેરકાયદે ઢોરવાડા તોડવામાં આવ્યા હતા. જ્યારે ઢોર છોડવા વારંવાર ગુનો કરતા હોય તેવા 17 સામે ફરિયાદ થઇ છે. શહેરના ઈદગાહ મેદાન પાસે ઘાસ વેચતા સાત ગોપાલ લોકો સામે પોલીસ ફરિયાદ થઈ છે, અને 1100 કિલો ઘાસ કબજે કરવામાં આવ્યું છે. દરમિયાન વડોદરા કોર્પોરેશન દ્વારા નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક )અને અધ્યક્ષ, રખડતા ઢોર નિયંત્રણ કમિટીને પત્ર લખીને જણાવ્યું છે કે રખડતાં પશુઓ પકડવાની કામગીરી દરમ્યાન પશુ માલિકો કોર્પોરેશનના વાહનની આગળ પાછળ પોતાના ટુ વ્હીલર દોડાવી અને બૂમો પાડી પશુઓને ભગાડી સરકારી કામગીરીમાં અવરોધ કરે છે. કેટલીક વખત બૂમો પડવાથી પશુઓ ભડકી જવાના કારણે અકસ્માત થવાના બનાવો બને છે, જેના લીધે નાગરિકો માટે જોખમ ઊભું થાય છે. ઘણા પશુપાલકોની બાઈકમાં નંબર પ્લેટ હોતી નથી અથવા તો તોડી નાખેલ હોય છે, તેમજ નંબર પ્લેટ ઉપર છાણ લગાવેલ હોય છે. જેથી નંબર પ્લેટ વાંચી શકાતી પણ નથી એટલું જ નહીં ડ્રાઈવીંગ લાઈસન્સ હોતું નથી. બેફામ સ્પીડથી પોતાના વ્હીકલ ચલાવે છે. આવા 42 પશુ માલિકની યાદી પોલીસને સુપરત કરી હતી અને તેઓ સામે જરૂરી કાર્યવાહી હાથ ધરવા અનુરોધ કરાયો હતો.