વડોદરા કોર્પોરેશનનું સને 2024-25નું રિવાઇઝ અને વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતીએ નવ સેશનની ચર્ચા બાદ ડ્રાફ્ટ બજેટમાં રૂપિયા 19.81 કરોડના વધારા સાથે રૂપિયા 6219.81 કરોડનું બજેટ સમગ્ર સભાની મંજૂરીની અપેક્ષાએ સર્વાનુમતે મંજૂર કર્યું હતું. આગામી તા.17થી 19 ફેબ્રુઆરી બજેટ પર ચર્ચા માટે સભા શરૂ થનાર છે. સંભવતઃ 19 ફેબ્રુઆરીએ બજેટને સમગ્ર સભા દ્વારા મંજૂર કરવામાં આવે એવી શક્યતાઓ છે. ત્યારે આ બજેટમાં સુચનો રજૂ કરવાના અંતિમ દિવસે વિપક્ષ દ્વારા 443 સુધારા દરખાસ્તો અને સુચનો રજૂ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સ્થાયી સમિતીએ આગામી આવી રહેલી પાલિકાની ચૂંટણીને ધ્યાનમાં લઇ મ્યુનિસિપલ કમિશનરે રૂપિયા 50 કરોડનો સૂચવેલો વધારો ફગાવી દેવા સાથે કર-દર વિનાનું બજેટ મંજૂર કર્યું હતું અને આગામી વર્ષોમાં શહેરના વિકાસલક્ષી 19 જેટલા સુચનો આપ્યા છે.
આગામી તા. 17 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહેલા બજેટ સત્રમાં સુચનો રજૂ કરવાનો આજે અંતિમ દિવસ હોઇ, વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે વિપક્ષ તરફથી 443 દરખાસ્તો અને સુચનો રજૂ કર્યા હતા.