- વડોદરા કોર્પોરેશન દ્વારા મહેસાણા નગર, સુભાનપુરા, સમા, હરણી, ઐય્યપ્પા ગ્રાઉન્ડ વગેરે સ્થળોએ ફટાકડા માટે સ્ટોલ ફાળવાયા
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે દિવાળીના તહેવાર વખતે કોર્પોરેશનની માલિકીના વિવિધ ટીપી સ્કીમ હેઠળ પ્રાપ્ત થયેલા પ્લોટો પર કામચલાવ ધોરણે ફટાકડાના સ્ટોલ માટે જગ્યા ફાળવે છે. આ વખતે પણ 12 સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. કોર્પોરેશનના મહેસાણા નગર, સુભાનપુરા, સમા, હરણી, ઐય્યપ્પા ગ્રાઉન્ડ વગેરે જગ્યાએ આ સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. આ સ્ટોલ માટે તાજેતરમાં જાહેર હરાજી કરવામાં આવી હતી. જેના કોર્પોરેશનને 11.50 લાખ મળ્યા હતા. આ પ્લોટ 10×10 ચોરસ ફૂટની જગ્યાના હોય છે.
ગયા વર્ષે કોર્પોરેશન દ્વારા પણ બાર પ્લોટ જાહેર હરાજીથી ફાળવવામાં આવ્યા હતા. જેની સામે 8.79 લાખ મળ્યા હતા. ચોક્કસ મુદત માટે હંગામી ધોરણે લાયસન્સ ફી લઈને આ પ્લોટ ફાળવવામાં આવે છે. જે વેપારીને પ્લોટ મળે તેણે ફાયર બ્રિગેડની અને પોલીસની એનઓસી જાતે મેળવવાની રહે છે. બીજી બાજુ શહેરના પોલો મેદાન ખાતે આ વખતે ફટાકડાની 24 દુકાનો ઉભી કરવામાં આવી છે.
ફાયર બ્રિગેડ દ્વારા તાકીદ કરવામાં આવતા ફટાકડાની દુકાન બહાર આગ અકસ્માતના બનાવ સામે સુરક્ષા હેતુસર સ્પ્રિન્કલર સિસ્ટમ, રેતી ભરેલી ડોલો અને પાણી સહિતની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.