- કોર્પોરેશન જન ભાગીદારીથી શહેરી વન વિકસાવી રહ્યું છે
- અગાઉ પાંચ મિયાવાકી ગાર્ડન બનાવ્યા છે, બીજા ચારની કામગીરી ચાલુ છે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના કારેલીબાગ વિસ્તારમાં વધુ એક મિયાવાકી શહેરી વન બનાવવામાં આવશે. કારેલીબાગમાં સ્વિમિંગ પૂલની બાજુમાં આવેલા આશરે 900 ચોરસ મીટર વિસ્તારમાં આ શહેરી વન બનાવવામાં આવશે. આજરોજ સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ, પાર્કસ એન્ડ ગાર્ડનના હવાલાના ડાયરેક્ટર તેમજ જેમની સાથે જનભાગીદારીથી આ કામગીરી કરવાના છે. તે સંસ્થાના અધિકારીઓ સાથે આજરોજ સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટીપી 9 માં સમાવિષ્ટ આ ફાઇનલ પ્લોટમાં ટૂંક સમયમાં ફળાઉ તેમજ બીજા વૃક્ષોનું મિયાવાકી પદ્ધતિથી પ્લાન્ટેશન કરવામાં આવશે અને થોડા દિવસમાં કામગીરી શરૂ થઈ જશે.
હજુ થોડા સમય પહેલા જ માંજલપુરમાં મિયાવાકી પદ્ધતિથી 37 પ્રકારના 3000 જેટલા વૃક્ષોનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું. કોર્પોરેશન દ્વારા આ અગાઉ છાણી, રાજીવ નગર, મોટી બાપોદ, બિલ અને સમા વિસ્તારમાં મિયા વાકી ગાર્ડન બનાવ્યા છે. આ ઉપરાંત ઉમા ચાર રસ્તા, કેન્દ્રનગર, અંબાલાલ પાર્ક અને પૂનમ કોમ્પ્લેક્સ પાસે પણ આ પ્રકારના ગાર્ડન બની રહ્યા છે. સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષએ કહ્યું હતું કે પર્યાવરણમાં કાર્બન ઘટાડવા અને ઇકો ફ્રેન્ડલી ગ્રીન મુવમેન્ટ તરફનું આ એક મહત્વનું પગલું છે. મિયાવાકીએ જાપાની પદ્ધતિ છે. જાપાનના અકિરા મિયાવાકીયે ટૂંકા ગાળામાં વન ઉછેરવા હેતુસર આ પદ્ધતિ વિકસાવી છે.
વિશ્વના અનેક દેશોમાં વનસ્પતિશાસ્ત્રી મિયાવાકીની આ પદ્ધતિ અપનાવવામાં આવી છે, અને વન નિર્માણ કર્યું છે. આ પદ્ધતિથી નાના વિસ્તારમાં ઝડપથી વન ઉગાડી શકાય છે. જેમાં એક જ વિસ્તારમાં શક્ય એટલા વૃક્ષો વાવવામાં આવે છે.