- લારી ગલ્લા તથા શેડ નડતરૂપ ન બને તે રીતે રાખવાની સૂચના અપાઇ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે શહેરમાં ત્રણ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોર્પોરેશનના વોર્ડ નં.૩ ના જમીન ભાડા કલાર્કની સાથે રહીને રેલવે સ્ટેશન ગેટ નંબર-૧ ની બહારથી લઇને શાસ્ત્રી બ્રિજ સુધી રોડની બંને બાજુએ નડતરરૂપ દબાણ હટાવીને સામાન જપ્ત કરવામાં આવ્યો હતો, અને લારીઓ પણ ઊંચકી લેવામાં આવી હતી.
પાલિકાના વોર્ડ નં.૧૭ના જમીન ભાડા કલાર્કને સાથે રાખીને પ્રતાપનગર હજીરાથી બરોડા ડેરી ત્રણ રસ્તા સુધી લારી ગલ્લા અને શેડના દબાણ હટાવ્યા હતા. લારી ગલ્લા તથા શેડ અંદરના ભાગે નડતરૂપ ન બને તે રીતે રાખવાની સૂચના અપાઇ હતી.
વડોદરા કોર્પોરેશન દ્વારા વોર્ડ નં.૧૮ માં જમીન ભાડા કલાર્કને સાથે રાખીને મકરપુરા જીઆઇડીસીમાં બીએસએનએલ રોડ પર દબાણ હટાવાયા હતા. મકરપુરા જીઆઇડીસીમાં આડેધડ પાર્કિંગ અને ગમે ત્યાં ઊભી રહેતી ખાણીપીણીની લારીઓથી રોડ સાંકડા થઇ જતા વાહનચાલકોને મુશ્કેલી પડતી હોવાથી કોર્પોરેશનમાં રજુઆતો કરવામાં આવી હતી.