- પાર્ટીની સૂચના બાદ રાવપુરા સહિત અન્ય કેટલીક વિધાનસભા વિસ્તારની પરિચય બેઠક રદ કરી દેવાઇ, ત્યારે પક્ષ તરફથી આવી સૂચના કેમ અપાઇ તે એક સવાલ છે
ભારતીય જનતા પાર્ટીમાં હાલ શું ચાલી રહ્યું છે? અને હવે ક્યારે શું થઈ શકે? તેની પૂર્વધારણા મૂકવી કોઈ કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે કદાવર નેતાઓ માટે શક્ય નથી! ત્યારે બીજી વાર પસંદગી પામેલા વડોદરા લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર ડો.હેમાંગ જોશીને આગામી તારીખ 3 એપ્રિલ સુધી ચૂંટણી પ્રચારની કોઈ રણનીતિ ઘડવી નહીં અને તારીખ 31ના રોજ પ્રભારી ગોરધન ઝડફિયા આવે ત્યારબાદ વધુ કામગીરી કરવાની રહેશે તેમ જણાવી દેવામાં આવ્યું હોવાની કાર્યકર્તાઓમાં ભારે ચર્ચા છે. ત્યારે પક્ષ તરફથી અચાનક આવી સૂચના કેમ આપવામાં આવી? તેવા સવાલ તમામ કાર્યકર્તાઓના મનમાં ઊઠવા પામ્યો છે.
વડોદરા લોકસભા બેઠક પર ભાજપ માટે દિવસે ને દિવસે આંતરિક વિવાદ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. પક્ષે અગાઉ અહીંની બેઠક પરથી રંજનબેન ભટ્ટને ટિકિટ આપ્યા બાદ તેમના નામ મુદ્દે વિવાદ શરૂ થયો હતો. પક્ષના જ કેટલાક ચોક્કસ નેતાઓના ઇશારે તેમનો વિરોધ શરૂ કરવામાં આવ્યા બાદ પોતાની બદનામી થતી હોવાનું જણાવી તેમણે ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી હતી. જેના ગણતરીના દિવસોમાં વડોદરા લોકસભા બેઠક પર ભાજપના નવા ઉમેદવાર તરીકે ડો.હેમાંગ જોશીની પસંદગી કરવામાં આવી હતી. હેમાંગ જોશીની પસંદગીથી હજુ પણ ભાજપના કેટલાક કાર્યકર્તાઓ માટે આ નામ આશ્ચર્યનું માનવામાં આવે છે! મનોમન કેટલાક કાર્યકર્તાઓએ આ નામ સ્વીકારી લીધું છે પરંતુ પીઢ, અનુભવી અને વર્ષોથી પક્ષ માટે માત્ર અને માત્ર સેવા કરતા અનેક કાર્યકર્તાઓને હજુ આ નામ કદાચ પસંદ આવી રહ્યું નથી! ત્યારે હવે ભાજપના કાર્યકર્તાઓમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, પક્ષે ડો.હેમાંગ જોશીને આગામી તારીખ ત્રણ સુધી પ્રચારની કોઈ રણનીતિ નહીં ઘડવાની સૂચના આપી દીધી છે. તેમ જ વડોદરા શહેરની તમામ પાંચ વિધાનસભા બેઠક પર જે પરિચય બેઠક નક્કી કરવામાં આવી રહી હતી તે પણ રદ કરી દેવામાં આવી છે. સાથો સાથ કાર્યકર્તા સંમેલન પણ હવે નહીં મળે અને માત્ર પરિચય બેઠકથી જ પ્રચાર થશે તેવી મૌખિક સૂચના અપાઈ હોવાનું કેટલાક કાર્યકર્તાઓમાં ચર્ચાઇ રહ્યું છે. ત્યારે ડોક્ટર હેમાંગ જોશીને આવી સૂચના અપાઈ કે કેમ? તે અંગે પણ અનેક સવાલો હાલ કાર્યકર્તાઓ અને નેતાઓમાં ચર્ચામાં છે.
અગામી તારીખ ત્રણ એપ્રિલ સુધી ચૂંટણી પ્રચારની કોઈ રણનીતિ નક્કી નહીં કરવી એવી પક્ષ દ્વારા અપાયેલી સૂચના મામલે ડો.હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે, પાર્ટીએ મને આવી કોઈ સૂચના આપી નથી. રોજે રોજ મારો ચૂંટણી પ્રચાર વિધાનસભા દીઠ ગ્રામ્ય વિસ્તારમાં ચાલી રહ્યો છે. ગઈકાલે હું સાવલી હતો અને આજે નંદેશરીમાં મારે બેઠક કરવાની છે. ઉપરાંત પાર્ટી કાર્યાલય પર બધા કાર્યકરોને હુ મળી રહ્યો છું. આગામી રવિવારના રોજ પ્રભારી ગોરધન ઝડફિયા વડોદરા આવવાના છે અને તેમની આગેવાનીમાં તબક્કાબાર તમામ વિધાનસભા દીઠ કાર્યકર્તાઓને બોલાવી લઈશું અને પરિચય બેઠક કરીશું એવી વિચારણા છે. માત્ર તેના કારણે હાલ પરિચય બેઠક કદાચ રદ કરવામાં આવી હોઇ શકે.
વડોદરા શહેરના ભાજપના કાર્યકર્તાઓમાં જે ચર્ચા છે તેનાથી વિપરીત પાર્ટી પ્રમુખનું નિવેદન આવી રહ્યું છે. ડો.વિજય શાહે જણાવ્યું હતું કે, હેમાંગ જોશીને હાલ કોઈ પ્રચાર અટકાવી દેવાની મારા તરફથી કોઈ સૂચના આપવામાં આવી નથી. પાર્ટીના અન્ય કોઈ વ્યક્તિએ તેમને કીધું હોય તે બાબત મારા ધ્યાનમાં નથી.