વડોદરા લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર ડો. હેમાંગ જોશીએ પદયાત્રા યોજી વાજતે ગાજતે ઉમેદવારી પત્ર ભર્યું

પંચમુખી હનુમાનજી મંદિર બાદ ઇસ્કોન મંદિરે દર્શન કરી પગપાળા જઇ ફોર્મ ભર્યું

MailVadodara.com - Vadodara-Lok-Sabha-seat-BJP-candidate-Dr-Hemang-Joshi-held-a-walk-and-filed-his-nomination-papers

- ચૂંટણી કચેરીમાં પ્રોટોકોલ પ્રમાણે ત્રણ ધારાસભ્યોને રૂમની બહાર જવું પડ્યું હતું, જ્યારે ડમી ઉમેદવાર તરીકે મેહુલ લાખાણીએ ફોર્મ ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું


વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડો.હેમાંગ જોશી આજે પદયાત્રા યોજી વાજતે ગાજતે પોતાનું ઉમેદવારી પત્ર જિલ્લા કલેકટર સમક્ષ ભર્યું હતું. ઉમેદવારી પત્ર ભરવા જતા પૂર્વે પંચમુખી હનુમાનજીના દર્શન કર્યા હતા. તે બાદ ઇસ્કોન મંદિરથી કાર્યકરો સાથે કલેક્ટર કચેરી ખાતે પગપાળા પહોંચ્યા હતા અને પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. ચૂંટણી કચેરીમાં પ્રોટોકોલ પ્રમાણે ત્રણ ધારાસભ્યોને રૂમની બહાર જવું પડ્યું હતું. જ્યારે ડમી ઉમેદવાર તરીકે મેહુલ લાખાણીએ ફોર્મ ભર્યું હતું.

વડોદરા લોકસભાના ઉમેદવાર ડો. હેમાંગ જોષીએ નામ જાહેર થયાના બીજા જ દિવસથી પ્રચાર શરૂ કરી દીધો હતો. ડોર ટુ ડોર, ફેરણી, સંકલ્પ યાત્રા, બાઇક રેલી જેવા કાર્યક્રમો સાથે તેઓ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે ગોત્રી ખાતે આવેલા ઇસ્કોન મંદિર ખાતેથી તેઓ પગપાળા કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા અને પોતાનું વડોદરા લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેઓ સાથે મોટી સંખ્યામાં ભાજપા અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા.


ડો.હેમાંગ જોશી જણાવે છે કે, લોકસભાની ચૂંટણી માટે વિધિવત રીતે ફોર્મ ભરવા જઇ રહ્યો છું. ગઇકાલે વિજય સંકલ્પની રેલીમાં આપણે જોયું કે, સર્વે કાર્યકર્તાઓની અથાગ મહેનતના ફળ સ્વરૂપે વિજયોત્સવરૂપી કેરસિયો માહોલ સર્જાયો હતો. આજે સવારે પંચમુખી મંદિરે દર્શન કરી, ત્યાર બાદ ઇસ્કોન મંદિરે આવી, વડીલો અને સંતોના આશિર્વાદ લઇને વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરો સાથે મળીને કલેક્ટર કચેરીએ જઇ નામાંકન ભર્યું હતું. 

પંચમુખી હનુમાનજી મંદિરે ડો.હેમાંગ જોશીએ દર્શન કરીને મીડિયા સાથે વાત કરી હતી. આ તકે ડો.હેમાંગ જોશીએ જણાવ્યું કે, વડોદરા લોકસભા બેઠક પર નામાંકન પત્ર ભરવા જવાનું છે, ત્યારે બે દાયકાથી જ્યાં આસ્થા સંકળાયેલી છે તેવા પંચમુખી હનુમાનજી મંદિરે શીશ ઝુકાવી દિવસની શરૂઆત કરી છે. જે બાદ ઇસ્કોન મંદિરે દર્શન કરી પગપાળા જઇ ફોર્મ ભર્યું છે. વડોદરામાં રંજનબેન ભટ્ટ દ્વારા ઘણી વિકાસની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. સાથે તેને કેવી રીતે આગળ વધારી શકાય? સાથે શિક્ષણ, હેલ્થ, રોડ-એર-રેલ ઇન્ફ્રાસ્ટ્ર્ચર વધારી શકાય, તમામ સુવિધાઓ જેને કારણે નોકરીની તકનું સર્જન થાય તેવા પ્રયાસો કરાશે. વડોદરામાં કલ્ચર અને હેરીટેજ કઇ રીતે આગળ વધે? તેવા પ્રયાસો પણ કરવામાં આવશે.


વધુમાં તેમણે ઉમેર્યું કે, ક્ષત્રિય સમાજ અને મોવડી મંડળ વચ્ચે ઉષ્માભર્યા વાતાવરણમાં સંવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજે ગુજરાત અને ભારતની અસ્મિતા બચાવવા માટે હરહંમેશ પ્રયત્નો કર્યા છે. તેઓ ધર્મની સાથે રહ્યા છે અને રહેશે. અમારા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે તાજેતરમાં વડોદરામાં બેઠક 10 લાખની લીડ પ્રાપ્ત કરી શકે છે તેમ જણાવ્યું અને તેની માર્ગદર્શિકા પણ આપી છે, તેને અમે અનુસરીશું. જંગી બહુમતીથી જીતવા માટે અમે પ્રયત્નશીલ છીએ. આ બાદ તેઓ ઇસ્કોન મંદિર પહોંચ્યા હતા અને ત્યાંથી પગપાળા કલેક્ટર કચેરી નામાંકન પત્ર ભરવા માટે ગયા છે. તેમણે જણાવ્યું કે, મારી રેલીમાં બહોળી સંખ્યામાં નગરજનો ઉંમટયા છે અને તેથી તમામ મતદારોનો ઝોક ભાજપ તરફ છે તે અહી સ્પષ્ટ થઈ રહ્યું છે.


ઉલ્લેખનીય છે કે, ઉમેદવારી પત્ર ભરવા માટે સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્યો કેયુર રોકડીયા, કેતન ઇનામદાર, મનિષાબેન વકીલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત અન્ય ધારાસભ્યો, કાઉન્સિલરો અને ભાજપા અગ્રણીઓ કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. ઉમેદવારી પત્ર ભરવાની કચેરીમાં 4થી વધુ લોકો ઉપર પ્રતિબંધ હોવાથી કચેરીમાં ત્રણ ધારાસભ્યો પહોંચી જતાં ચૂંટણી અધિકારીએ ત્રણે ધારાસભ્યોને કચેરીની બહાર મોકલી દીધા હોવાનું જાણવા મળ્યું હતું.

Share :

Leave a Comments