- ટેમ્પો ચાલક ટેમ્પો મુકી ઝાડી-ઝાંખરાનો લાભ લઇ ભાગી છૂટ્યો
વડોદરા LCBની ટીમ દુમાડ ચોકડી ખાતે વાહન ચેકિંગની કામગીરી દરમિયાન બાતમીદારથી બાતમી મળી હતી કે, હાઇવે પરથી વડોદરા શહેરમાં પ્રવેશવાના દુમાડ ચોકડી તરફના રોડ પર ટેમ્પો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી દુમાડ ચોકડી તરફ આવનાર છે, જેના આધારે પોલીસ દુમાડ ચોકડી ખાતે વોચ ગોઠવી ઉભી થઇ ગઈ હતી.
LCBની ટીમે બાતમી આધારિત ટેમ્પો આવતા તેને રોકવા માટે ઇશારો કરતા દુરથી પોલીસને જોઇ ટેમ્પા ચાલકે ટેમ્પો ઉભો નહીં રાખતા પોલીસે ટેમ્પાનો પીછો કરતા ટેમ્પા ચાલકે ટેમ્પો હાઇવે પર થઇ ભરૂચ તરફ ભગાવી મુક્યો હતો. પીછો કરી રહેલી પોલીસે ટેમ્પા ચાલકને વાઘોડીયા ચોકડી પાસે ટેમ્પો રોકવાનો ઇશારો કરતા તેણે પોતાની ગાડી વાઘોડીયા રોડ ઉપર થઇ હીમાલયા પાર્ટી પ્લોટની સામે આવેલ કેનાલવાળા રોડ ઉપર ભગાવેલું અને આગળ જઈને ટેમ્પો ચાલક ટેમ્પો મુકી રોડ ઉપર આવેલ ઝાડી-ઝાંખરાનો લાભ લઇ ભાગી છૂટ્યો હતો.
પોલીસે ટેમ્પાની તપાસ કરતા તેમાં સફેદ પાવડરની ભરેલ બેગ મળી આવી હતી અને એ સફેદ પાવડરની બેગો હટાવી તપાસ કરતા પોલીસને સફેદ પાવડરની બેગોની આડમાં લઇ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો મળી આવ્યો હતો. જેને ટેમ્પામાંથી બહાર કાઢી ગણતરી કરતા જુદા જુદા માર્કાની ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટી નંગ- 68 જેમાં કૂલ બોટલો નંગ 2148 મળી આવી હતી જેની કિંમત રૂ. 3,34,800 થાય છે તથા અશોક લેલન ટેમ્પો રૂ. 3,00,000 સહીત સફેદ પાવડરની 25 બેગ મળી કુલ રૂ. 6,34,800નો મુદ્દામાલ કબ્જે કરી વિદેશી દારૂનો જથ્થો મુકીને ભાગી જનાર આરોપી સામે વરણામા પોલીસ મથકમાં પ્રોહીબિશનનો ગુનો દાખલ કરી ફરાર આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતીમાન કર્યા છે.