- હાલ વડોદરા ફાયર બ્રિગેડમાં કાયમી 11 અને 1 એમ્બ્યુલન્સ ડ્રાઇવર કાર્યરત છે
વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સંચાલિત ફાયર બ્રિગેડમાં કોન્ટ્રાક્ટ ઉપર 108 કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. ફાયર બ્રિગેડમાં અપૂરતા કર્મચારીઓની ઘટને પૂરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. આ અંગેની એક દરખાસ્ત સ્થાયી સમિતીમાં રજૂ કરવામાં આવી છે.
પાલિકા સૂત્રોએ જણાવેલી વિગત એવી છે કે, અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓની જરૂરિયાત મુજબનાં હેવી ડ્યુટી લાયસન્સ ધરાવતાં ડ્રાઇવરો અને લીડ મેનપાવરની પ્રતિદિન 8 કલાકનાં ધોરણે કુલ 108 ડ્રાઈવર્સની કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી કરવાની છે. પ્રતિદિન 8 કલાક કામકાજ પ્રમાણે 65+25+18 મુજબ ત્રણેય પાળીનાં મળીને કુલ 108 કર્મચારીઓની કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી કરવાની છે.
આ શહેરનો વિસ્તાર અને વિકાસ પણ થઇ રહ્યો છે ત્યારે કાયરબ્રિગેડની કામગીરીમાં પણ એટલો જ વધારો થયો છે. ફાયર બ્રિગેડ દ્વારા કુદરતી આપત્તિ હોય કે માનવ સર્જિત આપત્તિનાં સમયે પણ ફરજ બજાવે છે પરંતુ, વડોદરા ફાયર બ્રિગેડ પાસે વડોદરાનાં વિસ્તાર અને વસ્તી મુજબ પૂરતો સ્ટાફ જ નથી.
વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા શહેરના વિસ્તારોમાં પાણી વિતરણ હોય કે પછી ડેડબોડી લઇ જવાના કામકાજ સહિત વિવિધ કામો કરવામાં આવે છે. 24 કલાક ખડેપગે સેવા પૂરી પાડતાં ફાયર બ્રિગેડને વધુ સજ્જ કરવાની પાલિકા દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ત્યારે વડોદરાનાં લોકોને વધુ સારી સેવા મળે તે માટે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લેવામાં આવનાર કર્મચારીઓ દ્વારા વિવિધ કામગીરી કરાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા ફાયર બ્રિગેડમાં કાયમી 11 ડ્રાઇવરો અને 1 એમ્બ્યુલન્સ ડ્રાઇવર હાલમાં કાર્યરત છે પરંતુ, શહેરની વસ્તી અને વિસ્તાર વ્યાપને ધ્યાનમાં રાખીને કોન્ટ્રાક્ટ બેઝ પર ડ્રાઇવર સ્કીલ મેન પાવર અંગે આવશ્યક સેવાઓ પૂરી પાડવાની ફરજ પડી છે. આ કામ માટે સ્થાયી સમિતીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.