વડોદરા જિલ્લા કલેકટરે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા અંગે બેઠક યોજી

વડોદરા શહેર-જિલ્લામાં 25 લાખથી વધુ મતદારો નોંધાયા, શહેર-જિલ્લામાં 2551 મતદાન મથકો છે

MailVadodara.com - Vadodara-District-Collector-held-a-meeting-with-the-representatives-of-political-parties-on-special-summary-revision-of-electoral-roll

- 1 જાન્યુઆરી 2024ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર તમામ નાગરિકોને મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અતુલ ગોરે અપીલ કરી

ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. 1-1-2024ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાના કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે વડોદરા શહેર જિલ્લામાં આ કાર્યક્રમ તા. ૩ ડિસેમ્બર 2013 સુધી ચાલશે. વડોદરા શહેર જિલ્લામાં કુલ 25,79,124 મતદારો નોંધાયા છે. શહેર જિલ્લામાં 2551 મતદાન મથકો છે, એમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અતુલ ગોરે જણાવ્યું છે.

મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાના કાર્યક્રમના ભાગરૂપે કલેકટર કચેરીના ધારાસભા હોલમાં કલેક્ટર અતુલ ગોરના અધ્યક્ષ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મતદાર સુધારણા કાર્યક્રમ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. કલેકટરે મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.


જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અતુલ ગોરે તા.1 જાન્યુઆરી 2024ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર તમામ નાગરિકોને મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવા ખાસ અપીલ કરી છે. આ કામગીરી માટે વડોદરા શહેર જિલ્લાના તમામ 2551 મતદાન મથકો ખાતે તા.4, 5 નવેમ્બર અને તા. 2, 3 ડિસેમ્બરના રોજ ખાસ ઝુંબેશ યોજાશે એટલે આ દિવસોએ મતદારો મતદાર યાદીમાં પોતાના નામ નોંધાવવા, નામમાં સુધારા વધારા, નામ કમી કરવા, જાતિમાં સુધારા, સરનામામાં સુધારો, મોબાઈલ નંબરમાં સુધારો, મતદારનો ફોટો સુધારવો, સંબંધના પ્રકારમાં સુધારો, સંબંધીના નામમાં સુધારો જેવી કામગીરી મતદાન મથક ખાતે જ કરી શકાશે. આ માટે મતદારોએ જરૂરી ફોર્મ ભરી આધાર પુરાવા સાથે રજૂ કરવાના રહેશે. આ બેઠકમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંક ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લાના સાવલી વિધાનસભા મત વિભાગમાં 2,29,476, વાઘોડિયામાં 2,44,055, ડભોઇમાં 2,30,639, વડોદરા શહેરમાં 3,05,653, સયાજીગંજમાં 2,95,138, અકોટામાં 2,71,815, સવપુરામાં 2,95,078, માંજલપુરમાં 2,60,498, પાદરામાં 3,35,691 અને કરજણમાં 2,11,081 સહિત કુલ 25,79,124 મતદારો નોંધાયા છે. તેવી જ રીતે સાવલીમાં 263, વાઘોડિયામાં 80, ડભોઇમાં 369, વર્ડોદરા શહેરમાં 260, સયાજીગંજમાં 261, અકોટામાં 246, રાવપુરા 274, માંજલપુરમાં 218, પાદરામાં 241 અને કરજણ વિધાનસભા મત વિભાગમાં 239 સહિત કુલ 2551 મતદાન મથકો નોંધાયા છે. વડોદરા જિલ્લામાં 1292 અને શહેરમાં 1259 મતદાન મથકો નોંધાયા છે.

Share :

Leave a Comments