- પોલીસે મેગજીન ખોલી જોતા મેગજીનમાં કારતૂસ ન હતું, ક્રાઈમ બ્રાન્ચે મોબાઇલ તથા પિસ્તોલ સાથે રૂપિયા 28 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો
વડોદરાના વાઘોડિયા-ડભોઇ રીંગ રોડ પરથી ક્રાઈમ બ્રાન્ચે છોટાઉદેપુરના એક શખ્સને હાથ બનાવટની દેશી પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો હતો જ્યારે પિસ્તોલ આપનારને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ છે.
વડોદરા શહેરના વાઘોડીયા-ડભોઈ રીંગ રોડ નારાયણ વિદ્યાલય રોડ પર આવેલા નારાયણ સીટી સ્કેપ કોમ્પલેક્ષ પાસે એક શખસ તેના કમરના ભાગે ટી-શર્ટ નીચે એક પિસ્તોલ વેચાણ કરવાના ઇરાદે અથવા કોઈ ગુનાહિત કૃત્ય માટે છુપાવીને ફરી રહ્યો છે, એવી બાતમી મળતાની સાથે જ ક્રાઈમ બ્રાન્ચની ટીમ નારાયણ વિદ્યાલય રોડ નારાયણ સીટી સ્કેપ કોમ્પલેક્ષ પાસે પહોંચી હતી ત્યારે એક શખસ પોલીસને જોઈ ત્યાંથી ભાગવા લાગ્યો હતો. જેથી, ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ શખસને ઝડપી પાડયો હતો. ત્યારબાદ તેનું નામ પુછતા મહેશ રાઘુભાઈ રાઠવા (ઉ.વ. 23, રહે. હાલ કારેલીબાગ એલ એન્ડ ટી સર્કલ પાસે, ક્રોમા શો રૂમના ઉપર પાંચમા માળે વડોદરા, મુળ મોટી કનશ ગામ નિશાળ ફળીયુ, રંગપુર, જી.છોટાઉદેપુર)નો હોવાનું જણાવ્યું હતું. તેની અંગજડતી કરતા કમરના ભાગે સંતાડેલી એક દેશી હાથ બનાવટની મેગજીન સાથેની પિસ્તોલ મળી આવી હતી. મેગજીન સાવચેતીપુર્વક ખોલી જોતા મેગજીનમાં કારતૂસ ન હતું. જેથી ક્રાઈમ બ્રાન્ચે 25 હજારની પિસ્તોલ કબજે કરી અગ્નીશસ્ત્ર રાખવાનું લાયસન્સ કે પરવાનો હોય તો તે રજૂ કરવા માટે જણાવતા તેને તે પોતાની પાસે નહી હોવાનું જણાવ્યું હતું.
આ ઉપરાંત તેના પેન્ટના ખિસ્સામાંથી મળી આવેલો મોબાઇલ તથા પિસ્તોલ સાથે રૂપિયા 28 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપી પિસ્તોલ કોની પાસેથી લાવ્યો હોવાનું પુછતા આ પિસ્તોલ તેણે રાકેશ ગોપસિંગ રાઠવા (રહે.મોટી સઢલી, ગામ જી.છોટાઉદેપુર) આપી હોવાનું જણાવ્યું હતું. જેથી ક્રાઈમ બ્રાન્ચે પિસ્તોલ આપનાર રાકેશ રાઠવા ને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.