- સાયબર ક્રાઈમ પોલીસે ટેક્નિકલ એનાલિસિસ તેમજ હ્યુમન રિસોર્સની મદદથી 7 દિવસ સુધી દિલ્હીમાં રેકી કરી 5 શખસોને ઝડપી લીધા
વડોદરા સહિત સમગ્ર દેશમાં સાયબર ક્રાઇમના ગુનામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ટેકનોલોજીની યુગમાં કોલીંગ, મેસેજ, ઇમેલ અથવા તો સોશીયલ મીડિયા પ્લેટફોર્મ પર ઠગાઇ કરતી ટોળકીના કિસ્સા દિવસે દિવસે વધી રહ્યાં છે. ત્યારે ઠગબાજ ટોળકીઓને ડામવા માટે સાયબર ક્રાઇમ પોલીસ પણ સતર્કતા દાખવી રહીં છે. વારંવાર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા લોકોને સાયબર માફીયાઓના ફ્રોડથી બચાવવા માટે જાગૃત્ત કરવામાં આવે છે. છતાં ભેજાબાજ ટોળકીઓ અવનવા પેંતરા અજમાવી લોકોને ફસાવી લાખો કરોડો રૂપિયાની છેતરપીંડી કરતી હોય છે. ત્યારે વીમા પોલિસીના નામે છેતરપિંડી આચરનાર દિલ્હીની ગેંગના 5 શખસની વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી મીનાબેન રાજેશભાઇ બાખરુએ ફરિયાદ નોંધાવી હતી કે તેમને એક અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો. પોતે આલોક અગ્રવાલ વીમા લોકપાલ ઓફિસ, દિલ્હીથી બોલે છે, એવી ખોટી ઓળખ આપી હતી. ફરિયાદીએ ચકાસણી માટે તેમના વીમા લોકપાલ ઓફિસના હેડ ઓફિસનું એડ્રેસ માગ્યું હતું, જે સરનામું ઓનલાઈન બતાવતું હોવાથી વિશ્વાસ આવ્યો હતો. ત્યાર બાદ ફરિયાદીને કહેવામાં આવ્યું કે તમે અગાઉ 12 ઇન્શ્યોરન્સ પોલિસી લીધેલી છે, જેનું તમે એકવાર પેમેન્ટ આપ્યું છે અને બીજા કોઈ પેમેન્ટ કર્યા નથી, તો કયા કારણથી કર્યું નથી એવું પૂછવામાં આવ્યું હતું. ત્યારબાદ ફોન કરનાર ભેજાબાજે મહિલાને એમ પણ જણાવ્યું કે, તમારી ફાઇલ મારી પાસે છે, તો શું તકલીફ છે તે જણાવો, તમારી બધી પોલીસીમાં એજન્ટ કોડ લાગેલા છે તે કાઢવા પડશે, તોજ તમારી પોલીસીનુ પેમેન્ટ તમને મળશે અને તમારી તમામ પોલીસીના રૂપિયા તમને પરત અપાવીશ. આટલી વિગતો ફોન કરનારે મહિલાને આપતા તેમણે વિશ્વાસ બેઠો હતો પરંતુ શંકા જતા ફોન કરનારના ઓળખપત્રની તેમણે માગણી કરી હતી. જેથી સિક્યુરીટી પર્પઝથી ઓળખપત્ર આપી નહીં શકાય તેમ ફોન કરનારે જણાવ્યું હતુ.
થોડા દિવસો બાદ ફરી ભેજાબાજે મહિલાને ફોન કર્યો અને જણાવ્યું કે, એજન્ટ કોડ કાઢવા માટે તમારે એક પોલીસી પેટે રૂ. 4000 તથા રૂ.100નો સ્ટેમ્પ તેમ 12 પોલીસના કૂલ 49,200 આપવાના રહેશે. જો પેમેન્ટ કરશો તોજ તમારી પોલીસીના રૂપિયા રીલીઝ થશે અને તમામ રૂપિયા પરત આપવાનો વિશ્વાસ પણ આપ્યો હતો. આમ શરૂઆત થઇ મહિલા પાસેથી રૂપિયા ખંખેરવાની અને એક બાદ એક ચાર્જીસ તથા જી.એસ.ટીના બહાને જુદા જુદા ખાતામાં રૂપિયા 52,77,136.70 લાખની રકમ પડાવી લેવામાં આવી હતી. જોકે સમગ્ર મામલે વડોદરા સાયબર ક્રાઇમે તપાસનો દોર શરૂ કર્યો હતો.
સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા ટેક્નિકલ એનાલિસિસ તેમજ હ્યુમન રિસોર્સની મદદથી 3 ટુકડીએ સતત 7 દિવસ સુધી દિલ્હીમાં રેકી કરી હતી. એક રૂમમાં કોલ સેન્ટર ચાલાવતા 5 શખસને રંગેહાથ મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જેમાં શાહબાઝ ઇશા આલમ (ઉં.વ 30), અંકિતકુમાર અશોકકુમાર (ઉં.વ 32), મોહિત રવીન્દ્ર બત્રા (ઉં.વ 33), આશિષ કુમાર અશોકકુમાર (ઉં.વ. 34), અવનિશ ઉર્ફે ટોની કૃષિપાલ પંચાલ (ઉં.વ. 30)નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી 16 મોબાઈલ ફોન, 2 લેપટોપ, 1 પેન ડ્રાઇવ, 1 પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ તમામ આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને રિમાન્ડ બાદ જ્યુડિશિયલ કસ્ટડિમાં મોકલી આપવામાં આવ્યા હતા.
લોકોને ઠગવા માટે દિલ્હીની આ ભેજાબાજ ટોળકી વિમા પોલિસી રિન્યૂ તથા પાસ કરાવવાના બહાને પહેલા લોકોને ફોન કરતા, બાદ તેમને પોલિસી અંગેની વિગતો જણાવી તેમને વિશ્વાસ કેળવતા અને જુદા જુદા ચાર્જીસ તેમજ જી.એસ.ટી તથા સ્ટેમ્પ ફીના નામે ઓનલાઇનના માધ્યામથી લાખો રૂપિયા પડાવી લેતા હતા. આ ઉપરાંત આ ઠગ ટોળકી લોકોને ઠગવા માટે OLX પર નોકરીની જાહેરાત મેળવી નોકરી વાંચ્છુકોના રીઝ્યુમ મેળવતા હતા. ત્યારબાદ તે વ્યક્તિનો સંપર્ક કરી કન્સલટન્સી તેમજ પ્રોસેસીંગ ફીના નામે રૂપિયા લઇ ખોટી રીસીપ્ટ પ્રિન્ટ કરી ફોટો મોકલી વિશ્વાસમાં લઇ છેતરપીંડી કરતા હતા.
ઠાગબાજ ટોળકી જે લોકોને ફસાવી જુદા જુદા બહાને રૂપિયા પડાવી બેન્ક ખાતામાં જમાવ કરાવતી હતી. આ બેન્ક ખાતા પણ અન્ય વ્યક્તિઓના હોવાથી તેમણે એક ચોક્કસ રકમ કમિશન પેટે ચુકવવામાં આવતી હતી. બેન્ક ખાતા ખોલાવવા માટે પણ એજન્ટો રાખવામાં આવતા, જેને પણ એક ચોક્કસ રકમનુ કમિશન ચુકવવામાં આવતું હતું.