- આ વર્ષના બજેટમાં નવા બ્રિજ,ફાયર સ્ટેશન,બાગબગીચા, ઓજી વિસ્તારમાં વિકાસ કાર્યો સહિતના મુદ્દાઓને આવરી લેવાયા, બજેટને સ્થાયીમાં મંજૂરી અર્થે મુકાશે..!!
વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ 2024-25નું રિવાઇઝડ બજેટમાં રૂપિયા 455 કરોડનો વધારો કરી રૂપિયા 6013.61 કરોડનુ અને 2025-26નું રૂપિયા 6200.56 કરોડનું ડ્રાફ્ટ બજેટ આજે (28 જાન્યુઆરી) મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સ્ટેન્ડિંગ સમિતીમાં મંજૂરીની અપેક્ષાએ રજૂ કર્યું હતું. શહેરમાં સફાઇ કરવામાં ધરાર નિષ્ફળ પાલિકા દ્વારા સફાઇ વેરામાં રૂપિયા 50 કરોડનો વધારો સુચવતુ રૂપિયા 6200.56 કરોડનું કદ ધરાવતા અંદાજપત્રમાં વિશ્વામિત્રી નદીના નવિનીકરણ, બ્રિજ, પાર્કિંગની સુવિધા સહિતના વિકાસ કામો રજૂ કરવામાં આવ્યા છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2025-26 નું ડ્રાફ્ટ અંદાજપત્ર અને રીવાઈઝડ અંદાજપત્ર આજે સવારે 10-30 કલાકે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સ્થાયી સમિતિમાં રજૂ કર્યું હતું. જેમાં રૂપિયા 50 કરોડનો સફાઈ વેરાના વધારવા સૂચન કર્યું છે. જ્યારે કુલ રૂપિયા 6,200.56 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દિલીપ રાણાએ આજે સ્થાયી સમિતિમાં અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીને સુપ્રત કર્યું હતું.
સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ ડો. શિતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા વર્ષ 2024-2025નું રૂપિયા 455 કરોડના વધારા સાથે રૂપિયા 6013.61 રિવાઇઝડ અને વર્ષ 2025-26નું રૂપિયા 6200.56 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે વિકાસના કામો રૂપિયા 1,846 કરોડનું લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે સાથે સાથે કોર્પોરેશનની મુખ્ય આવક ગણાતી વેરાની આવકનો લક્ષણ રૂ.740 કરોડ મૂકવામાં આવ્યો છે. ચૂંટણીલક્ષી બજેટ હોવાથી વિકાસના કામો વધુ મૂકવામાં આવ્યા છે, પરંતુ તેની સાથે સાથે રૂપિયા 50 કરોડનો સફાઈવેરો નાખવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ અંદાજપત્ર અંગે સ્ટેન્ડિંગ સમિતિમા ચર્ચા બાદ મંજૂર કરવામાં આવ્યા બાદ સમગ્ર સભાની મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. બજેટની ચર્ચા માટે વિશેષ સભા બોલાવવામાં આવશે. સંભવતઃ આગામી તા. 20 ફેબ્રુઆરી પહેલાં બજેટ મંજૂર કરવામાં આવશે. નોંધનીય છે કે, આજે અંદાજપત્ર અંગે સ્ટેન્ડિંગ સમિતિની બેઠકમાં ચાર સ્ટેન્ડિંગ સમિતિના સભ્યો મોડા આવ્યા હતા.
અત્રે યાદ આપવું જરૂરી છે કે, ગત વર્ષના અંદાજપત્રમાં રૂપિયા 1700 કરોડના વિકાસના કામો રજૂ કર્યા હતા જેમાંથી અંદાજે 700 કરોડના કામો અધૂરા રહ્યા છે જ્યારે કેટલાક કામો તો માત્ર કાગળ પર ઘોડા દોડાવ્યા સમાન જ રહ્યા છે અને તે કામો શરૂ થઈ શક્યા જ નથી. ત્યારે આ વર્ષે ફરી એકવાર 1800 કરોડથી વધુ રકમના વિકાસના કામો મૂકવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને પ્રાથમિક સુવિધા ને લગતા કામોનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, આ વખતે પાલિકાના ઇતિહાસમાં સૌપ્રથમવાર નાગરિકો પાસેથી બજેટ સંદર્ભે સૂચનો મંગાવવામાં આવ્યા છે. મહાનગરપાલિકા દ્વારા આ પ્રયોગ સૌપ્રથમ વાર કરવામાં આવ્યો છે. ત્યારે પાલિકા દ્વારા નગરજનોના કેટલા સૂચનોનો સમાવેશ કરવામાં આવે છે તે જોવું રહ્યું.