- રોજ 50થી વધુ વેન્ડર્સને તાલીમ અપાશે, બાકી રહેલાને પછી તાલીમ આપવા વિચારણા
- ગ્રાહકોને આરોગ્યપ્રદ ફૂડ આપવું, સ્વચ્છતા રાખવી, કાચા માલનો ઉપયોગ કેવી રીતે કરવો, સૂકા ભીના કચરાનો નિકાલ વગેરેનું માર્ગદર્શન અપાશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી આઠ દિવસ સુધી આશરે 500 સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સને તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં પાણીપુરીના ધંધાર્થીઓ પણ છે. શહેરમાં આમ તો સેંકડો સ્ટ્રીટ ફૂડ વેન્ડર છે. જે બાકી રહી ગયેલા છે તે માટે કોર્પોરેશન હવે પછી તાલીમ આપવા વિચારણા હાથ ધરશે તેમ જાણવા મળ્યું છે.
વડોદરા શહેરનાં ફતેગંજ, સયાજીગંજ, છાણી, અકોટા, ગોત્રી, ગોરવા, દાંડીયા બજાર, આજવા રોડ, વાઘોડીયા રોડ, માંજલપુર, તરસાલી, માણેજા, હરણી રોડ, વારશીયા, ફતેપુરા વગેરે વિસ્તારોનાં શેરીઓમાં ખાદ્ય પદાર્થો વેચતા સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ માટે તા.20 થી તા.27 સુધી પબ્લીક હેલ્થ લેબોરેટરી, વોર્ડ નં.૩ની બાજુમાં ફતેગંજ ખાતે તાલીમ અંગેનું આયોજન કરવામાં આવેલ છે. રોજ 50થી વધુ વેન્ડર્સને તાલીમ માટે બોલાવવામાં આવશે.
આ તાલીમનું આયોજન વડોદરા કોર્પોરેશન તેમજ ખાનગી કંપનીના સહયોગથી કરવામાં આવેલ છે. જેમાં સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સને ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ મુજબ કામગીરી કરવા તાલીમ આપવામાં આવશે. કોરોના જેવી મહામારી બાદ ખાધ ખોરાક સાથે સંકળાયેલ ખાણીપીણીના ધંધાર્થીઓને ફૂડ સેફ્ટી એન્ડ ટ્રેનિંગ સર્ટિફિકેશન હેઠળ આ તાલીમ મેળવવી ફરજીયાત છે. તાલીમમાં સ્ટ્રીટ ફુડ વેન્ડર્સને વ્યક્તિગત સ્વચ્છતા બાબતે તેમજ તેઓ જે જગ્યાએ ધંધો કરે છે તે જગ્યાને સ્વચ્છ રાખવા અંગેની તાલીમ આપવામાં આવશે. સ્વચ્છતા જાળવવાથી પર્યાવરણ પર થતી અસરનું માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત ખાદ્ય પદાર્થો બનાવવા કાચામાલનો ઉપયોગ કેવી રીતે કરવો તેમજ પોતે જે સાધનો વાપરતા હોય તેનો સાવચેતીપુર્વકનો ઉપયોગ કરવા, પ્લાસ્ટીકનો ઉપયોગ કેવી રીતે કરવો, સુકો કચરો અને ભીનો કચરાનો નિકાલ કેવી રીતે કરવો તેનું પણ માર્ગદર્શન આપવામાં આવશે.
તાલીમ લેનાર તમામ સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સને પ્રેકટીસ થાય તે માટે એપ્રોન, ગ્લોવ્ઝ, કેપ, માસ્ક, સેનીટાઇઝર, ગણવેશ વિગેરે કિટ તરીકે આપવામાં આવશે. ધંધાકીય સ્થળે આ તમામ વસ્તુ પહેરીને ધંધો કરવા જણાવવામાં આવશે. ખાણીપીણી માટે આવતા ગ્રાહકોને આરોગ્યપ્રદ ખોરાક આપવાની તેઓની ફરજ છે જે અંગે તેઓને માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત ફૂડ સેફટી ટ્રેનીંગ અંગેનું તાલીમ સર્ટીફીકેટ પણ આપવામાં આવશે, તેમ ડેઝિગ્રેટેડ ઓફિસર અને કોર્પોરેશનના અધિક આરોગ્ય અમલદાર ડો.મુકેશ વૈદ્યએ જણાવ્યું હતું.